મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: અમદાવાદમાં પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી અંગે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના આજે આઠમાં દિવસે સમર્થન આપવા મેધા પાટકર આવી પહોંચ્યા હતા. પરંતુ ગ્રીનવુડના ગેટ પાસે હાર્દિક પટેલના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવીને વિરોધ કરવા સાથે હાર્દિકના સાથીદાર મનોજ પનારાએ હાથ જોડીને અહીંથી રવાના થઈ જવા વિનંતી કરતા મેધા પાટકરને વિલા મોએ પાછા ફરવું પડ્યું હતું. આ ઉપરાંત એસપીજીના લાલજી પટેલ તેમજ અન્ય પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ પણ ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું.

આ પ્રસંગે મેધા પાટકરે ગ્રીનવુડ ગેટ પાસે કહ્યું કે, છેલ્લા દસ દિવસથી પોતે કેરળમાં હોવાથી હાર્દિકના ઉપવાસ અંગે મને કંઈ જાણ નથી. પરત આવ્યા બાદ અહીંથી ફોન આવતા પોતે ખેડૂતોની સમર્થક હોવાથી હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપવા આવ્યા છે.

હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવા વિનંતી કરી હતી. આજે સવારે હાર્દિક પટેલે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યાના થોડા જ કલાકોમાં પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં સમાધન થવાના સંકેતો જણાયા હતા. જેમાં બપોર બાદ એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, પાટીદારોની અવગણના કરવામાં આવશે તો ૨૦૧૯માં તેનું પરિણામ ભોગવવું પડશે. જયારે ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ તેમજ સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ બાપા સહિત અન્ય સંસ્થાના આગેવાનોએ પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.

જેમાં જેરામ બાપાએ કહ્યું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. જેમાં આંદોલનની માંગણી અંગે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. તેનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.

હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવ્યા હતા. આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા પહોંચ્યા હતા. તેમની સાથે આવેલા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ સમર્થન આપતા જણાવ્યું હતું કે, સરકાર જે પૈસા ખોટી રીતે વિદેશ પ્રવાસમાં બગાડે છે, તે શિક્ષિત બેરોજગારોના હિત માટે વાપરવા જોઈએ.

સરકારે હાર્દિકની વાત સંભળાવી જોઈએ, અમે હાર્દિક પટેલના આંદોલનને સમર્થન કરીએ છીએ. જેમાં પાટીદાર, ગરીબો અને સમાજના પ્રશ્નોને વાચા આપવા સરકારની કોઈ નીતિ જ રહી નહીં હોવાથી હાર્દિકની ચળવળને ટેકો આપવા આવ્યો છું.