મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આપણે ત્યાં હેરસલુનનો વ્યવસાય એક ચોક્કસ જ્ઞાતિ અને પારંપરિક વ્યવસાય તરીકે જોવામાં આવતો હતો પણ હવે તેવુ રહ્યુ નથી.  છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતમાં બ્રાહ્મણ, પટેલ અને જૈન જ્ઞાતિના યુવક-યુવતીઓ પણ આ વ્યવસાય તરફ વળ્યા છે. એટલુ જ નહીં પણ એમબીએ અને એન્જીનિયરીંગ જેવી ડિગ્રી લીધા પછી હેરસલુનના વ્યવસાયમાં આવનારની સંખ્યા વધી રહી છે. અન્ય વ્યવસાયની જેમ હેરસલુનના ધંધાનું થયેલુ વ્યવસાયીકરણને કારણે ગુજરાતમાં હેર ડ્રેસીંગની તાલીમ આપતી દસ જેટલી એકેડમીઓ શરૂ થઈ ગઈ છે  અને બીજા કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરતા વધુ ફિ હેર ડ્રેસીંગ એકેડમીઓ લઈ રહી છે.  જેમાં મહિનાના કોર્સ માટે વીસ હજારથી પચાસ હજાર રૂપિયા ફિ લેવામાં આવે છે.

હેરસલુનના ધંધામાં યુવક અને યુવતીઓનું આકર્ષણ વધ્યુ છે તેની પાછળનું મહત્વનું કારણ એવુ છે કે પહેલા આ વ્યવસાયને સામાજીક મોભો મળતો ન્હોતો. પરંતુ સમયની સાથે હેર ડ્રેસીંગના વ્યવસાયને હવે માનની નજરે જોવાની શરૂઆત થઈ છે. જેના કારણે જેમનો વારસાગત હેરસલુનનો વ્યવસાય હતો તેવા યુવકો માન નહીં મળતુ હોવાને કારણે પોતાના પૈતૃક વ્યવસાયને છોડી ખાનગી અને સરકારી નોકરી કરવા લાગ્યા હતા, પણ હવે માનની સાથે સારા પૈસા પણ મળતા હોવાને કારણે  બ્રાહ્મણ, પટેલ અને જૈન જ્ઞાતિના યુવક યુવતીઓ પણ હેર ડ્રેસીંગ એકેડમીમાં તાલીમ લેવા માટે આવી રહ્યા છે. 


અમદાવાદના શિવરંજની પાસે આ પ્રકારની જ એક એકેડમી ચલાવતા માસ્ટર પંકજ કહે છે, શિક્ષણની ડિગ્રી લીધા પછી પણ જેટલો પગાર મળે  તેના કરતા વધુ આવક હેર ડ્રેસીંગ વ્યવસાયમાં થઈ રહી છે. આવી એકેડમીમાં જેમણે જીવનમાં ક્યારેય કાતર પકડી નથી તેવા યુવક યુવતીઓ આવી સારા હેર ડ્રેસર બની ગયા છે, તેમને કોઈ પણ સારી કહેવાતી મેલ-ફીમેલ સલુનમાં પગાર ઉપરાંત તેઓ જેટલુ કામ કરે તેનો 40 ટકા હિસ્સો કમિશન તરીકે મળતો હોવાને કારણે તેઓ મહિને પચાસથી સાઈઠ હજાર કમાઈ લે છે. એટલે જ એમબીએ અને એન્જીનિયરીંગની ડીગ્રી લીધા પછી યુવકો આ ધંધા તરફ આવી રહ્યા છે.

હેર સુલનમાં ખાસ હેર ડ્રેસર પાસે વાળ કપાવવા અથવા સેટ કરવા માટે કોઈ ડૉકટરની અગાઉથી એપોઈન્ટમેન્ટ લેતા હોઈએ તેમ એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. જયારે અમદાવાદમાં મુંબઈના કેટલાંક હેર ડ્રેસરની ખાસ ડીમાન્ડ છે. તેમની એક મહિના પહેલા એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આ હેર ડ્રેસર મહિનામાં એક વખત ફ્લાઈટમાં અમદાવાદ આવે છે અને આખો દિવસ એપોઈન્ટમેન્ટ પ્રમાણે કામ કરી સાંજની ફ્લાઈટમાં મુંબઈ જતો રહે છે. હજી પણ હેર ડ્રેસીંગના મામલે પુરૂષ ગ્રાહકો મહિને એકાદ હજાર રૂપિયા ખર્ચ કરે છે પણ સ્ત્રી ગ્રાહકો દસ પંદર હજારનો માસીક ખર્ચ કરતા અચકાતી નથી. આમ હેર સલુનમાં સારૂ રીર્ટન મળત હોવાને કારણે જેમને આ ધંધા સાથે સ્નાન સુતકનો સંબંધ નથી તેવા રોકાણકારો પણ રોકાણ કરવા લાગ્યા છે. તેઓ સારા હેર ડ્રેસરનો ઉંચા પગારે નોકરીએ રાખી અન્ય વ્યવસાયની જેમ આ ધંધામાં પણ રોકાણ કરી રહ્યા છે.