મેરાન્યૂઝ નેટવર્ક.સોલનઃ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં રવિવારે બપોર બાદ એક ઢાબું અચાનક ઢળી પડ્યું હતું. અહીંની ઈમારતમાં તે સમયે 37 લોકો હાજર હતા. જેમાં 30 સૈનિક પણ હતા. ખરેખર સૈનિક ત્યાં જમવા માટે રોકાયા હતા અને અઘટીત ઘટના એવી બની કે તે જ સમયે ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ. ઘટનામાં 6 જવાનો સહિત કુલ 7 લોકોના મોત થયા છે. સતત ભારે વરસાદને પગલે રેસ્ક્યૂ ઓપરેશનમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પંચકુલાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમને બોલાવાઈ છે.

જાણકારી મુજબ, રસ્તાથી પસાર થઈ રહેલી સેનાના જવાન અહીં જમવા માટે રોકાયા હતા, તે જ સમયે આ ઘટના ઘટી. કહેવાય છે કે, સેનાના જવાનોના સાથે તેમના પરિવારના લોકો પણ હતા. સોલનના ડેપ્યૂટી કમિશ્નર કેસી ચમને કહ્યું કે સેનાના અંદાજીત 17 જવાનો અને 11 નાગરિકો નિકળી ગયા છે. 6 જવાનો અને 1 નાગરિકનું મોત થઈ ગયું છે. જ્યારે 7 જવાનો હજુ ફસાયેલા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે સોમવારે બપોરે રાહત અને બચાવ કાર્યપૂર્ણ થઈ જશે.