મેરાન્યૂઝ નેટવર્ક, ખંભાળિયા: તાજેતરમાં મહેસુલ અંગેની જમીનોનાં ખાતેદાર બનવા સહિતના કૌભાંડો ખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્રારા બહાર પાડવામાં આવ્યા હતાં. જ્યાર બાદ હવે કેટલાક લોકોએ મામલતદાર વિવિધ કામો માટે પૈસા માગી હેરાનગતિ કરે છે તેવી રજૂઆત સ્થાનિક સાંસદ પૂનમબેન માડમ સમક્ષ કરી છે. જેથી તેમણે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

ખંભાળિયાનાં મામલતદાર ચિંતન વૈષ્ણવ વિરુદ્ધ કેટલાક લોકોએ રજૂઆત કરતા ગત રોજ સાંસદ પુનમબેન માંડમ પણ દોડી ગયા હતા અને જુદાજુદા પ્રશ્ને હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે જીલ્લા કલેક્ટરની હાજરીમાં યોગ્ય પગલા લેવામાં આવશે તેમ સાંસદે જણાવ્યું હતું અને રજૂઆત કરનારાઓને યોગ્ય કરવામાં આપશે તેવી ખાતરી આપી હતી.
 
મળતી વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી ખંભાળિયામાં મહેસુલ અંગેની જમીનોના ખાતેદાર બનવા સહિતના કૌભાંડો મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્રારા બહાર પાડવામાં આવ્યા હતા. જ્યાર બાદ કેટલાક જમીન ખાતેદારોના અરજદારો દ્રારા મામલતદાર દ્રારા મોટી રકમ માંગવામાં આવતી હોવાના કથિત આક્ષેપો કરાયા હતા. ગત રોજ ફટાકડાના લાયસન્સ ધારક વેપારીઓ તથા અન્ય કેટલાક અરજદારો સર્કિટહાઉસ ખાતે આવેલા સાંસદ પુનમબેન માડમને મળવા પહોંચી ગયા હતા અને તેમણે મામલતદાર દ્રારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને દરેક કામોમાં પૈસાની માંગણી તેમના વચેટીયાઓ દ્રારા કરવામાં આવતી હોવાની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. જેથી સાંસદ પુનમબેન માડમે તપાસ કરી યોગ્ય કરીશું તેમ કહ્યું હતું.

ફેસબુક ઉપર બદલી અંગે મામલતદારે મુકી હતી પોસ્ટ

ગત દિવસોમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્રારા તેમના ફેસબુક એકાઉન્ટ મારફત તેમની બદલી કરવામાં આવી શકે છે તેવું વાતવરણ ઉભું થઇ રહ્યું હોવા સહિતની બાબતે પોસ્ટ શેર કરવામાં આવી હતી, જે થોડી ચર્ચાસ્પદ બનતા તેમણે હટાવી લીધી હતી.

સિક્કાની બીજી બાજુ જોઈએ તો મામલતદાર ચિંતન વૈષ્ણવ સામાન્ય તથા ગરીબ અરજદારોને સરકારની વિવિધ યોજનાઓ સહિતના લાભો ગ્રામ્ય વિસ્તારમાં ઘર બેઠા આપવા માટે દર મંગળવારે અને શુક્રવારે સેવા સેતુ જેવા કાર્યક્રમનું આયોજન કરી રૂબરૂ સ્થળ પર ઘરે ઘરે જઈ અરજદાર લાભાર્થીઓને આપી તેમની ફરજ નિભાવી છે. ત્યારે હાલ તેમના પર થયેલા આક્ષેપોથી સરકારી કચેરીઓમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.