પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના જોઈન્ટ ઓપરેશનને કારણે ઉકેલાઈ ગયો છે. આ મામલે પોલીસ ત્રણ લોકોને ઝડપી લીધા છે. જો કે આખા મામલામાં ગુજરાત સીઆઈડી ક્રાઈમને બાજુ ઉપર રાખી એટીએસ અને ક્રાઈમ બ્રાંચે પોતાનું ઓપરેશન પાર પાડ્યુ હતું. જયંતિ ભાનશાળીની હત્યા કોણે અને શુ કામ કરી તેની સત્તાવાર જાહેરાત પત્રકાર પરિષદ દ્વારા કરવામાં આવશે પણ ટોચના સુત્રોની જાણકારી પ્રમાણે ભાનુશાળીના મોબાઈલ ફોનમાં રહેલા કેટલાંક વીડિયો જ તેમના મોતનું કારણ બન્યા હતા. પોલીસને આ વીડિયો પણ હાથ લાગ્યા છે. જો કે વીડિયોમાં ખુદ ભાનુશાળી સહિત અનેક મોટા માથાના વીડિયો પણ છે.

જયંતિ ભાનુશાળીની સયાજીએક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કર્યા બાદ હત્યારા ભાનુશાળીના હાથમાં રહેલો એક મોબાઈલ ફોન અને એક બેગ લઈ ગયા હતા. જો કે હત્યારા જે બેગ ભાનુશાળીની હોવાનું સમજી લઈ ગયા હતા તે બેગ ખરેખર ભાનુશાળીની સામે બેઠેલા મુસાફર પવન મૌર્યની હતી. હત્યારા માની રહ્યા હતા કે ભાનુશાળી પાસે એક જ ફોન છે, પરંતુ હત્યા બાદ રેલવે કોચમાં પહોંચેલી પોલીસને જયંતિ ભાનુશાળીનો એક ફોન તેમની પાસેથી મળી આવ્યા હતો, જે ફોનમાં રહેલી તમામ વિગતો અને વીડિયો પોલીસે સંખ્યાબંધ વખત જોયા હતા. પોલીસ  જે વીડિયો જોયા તેના ઉપરથી અંદાજ આવી ગયો હતો કે ભાનુશાળીના મોતનું કારણ આ વીડિયો જ બન્યા છે.

જયંતિ ભાનુશાળીના મોબાઈલ ફોનમાં જે વીડિયો હતા તેમાં અનેક  વીડિયો તેમના પોતાના પણ હતા. વીડિયોનાઅ અભ્યાસ પછી પોલીસ એવા તારણ ઉપર આવી હતી કે ભાનુશાળી જેની સાથે પણ સંબંધ રાખે તેના પોતાના વીડિયો પણ પોતાના ફોન ઉપર જાતે જ રેકોર્ડ કરતા હતા. કેટલાંક વીડિયોમાં મનિષા પણ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાંક મોટા લોકો અને મનિષાનો વીડિયો પણ પોલીસને જોવા મળ્યો છે. હજી સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી કે ખાસ કરી ક્યો વીડિયો મનિષાને નુકશાન પહોંચાડી શકે તેમ હતો જેના કારણે ભાનુશાળીની હત્યા કરવામાં આવી અને હત્યારા પુરાવાના નાશ માટે  એક ફોન પોતાની સાથે લઈ ગયા હતા.

પોલીસ હાલમાં અટકાયત હેઠળ રાખેલા મનિષા સહિત શેખર અને સુરજીતની પૂછપરછ શરુ કરી છે તેમજ તેઓ જે ભાનુશાળીનો ફોન લઈ ગયા હતા તે ક્યાં છે તેની પણ તપાસ કરી રહી છે. સંભવના છે કે ભાનુશાળીના તે ફોનમાંથી બીજા રહસ્યો પણ નિકળે.