મેરાન્યૂઝ નેટવર્ક, ચોટીલા: ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જતું. આ ખાતમુહૂર્તને દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજી જમીન સંપાદનનું કામ પણ પૂર્ણ થઈ શક્યું નથી. સરકાર દ્વારા 300 રૂ. પ્રતિ સ્કવેર મીટર આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો 2500 રૂ. પ્રતિ સ્કવેર મીટરની માંગ કરી રહ્યા છે. હીરાસર ખાતે નિર્માણ પામનાર આ એરપોર્ટમાં કુલ 7 ગામોની જમીન સમાવેશ પામી છે જેમાં 4 ગામો સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા હતા. વહિવટી સરળતા ખાતર આ ગામોને રાજકોટ જિલ્લામાં ભેળવવામાં આવ્યા હતા.

હવે સરકાર દ્વારા આ જમીન સંપાદિત કરવા માટે એક વિશેષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિ દ્વારા ખેડૂતો સાથે વાટાઘાટો કરીને એરપોર્ટ માટે આ જમીન સંપાદિત કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ ડિસેમ્બર 2018માં આ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરી હતી પરંતુ જમીન જ સંપાદિત ન થતા આ એરપોર્ટનું નિર્માણ કાર્ય હાલ ધોલેરા એરપોર્ટની જેમ ખોરંભાયેલું પડ્યું છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 2 એરપોર્ટ કાર્યરત છે જેમાં રાજકોટ અને ભુજનો સમાવેશ થાય છે. પોરબંદર, જામનગર અને કેશોદના એરપોર્ટની સેવાઓ છેલ્લા 3 મહિનાથી બંધ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના પહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ સત્વરે થાય તો સૌરાષ્ટ્રવાસીઓને ઘણો ફાયદો મળે તેમ છે.