મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આદરણીય નરેન્દ્રભાઈ, 2019ના વર્ષમાં તમે ગુજરાત આવ્યા, તમારૂ સ્વાગત છે. આમ તો અમારૂ જેટલુ ગુજરાત છે એટલુ જ તમારૂ પણ છે. અમે તો પ્રજા છીએ પણ તમે તો ગુજરાતના નાથ તરીકે દોઢ દાયકા સુધી ગુજરાતમાં રાજ પણ કર્યુ છે. હવે દેશ ઉપર તમારૂ આધિપત્ય છે. તમે વડાપ્રધાન થયા પછી ઘણા બધા સુધારા તરફ દેશને લઈ ગયા, જેમા નેતાઓ અને અધિકારીઓની કાર ઉપર લાગેલી લાલ લાઈટ પણ હટી ગઈ છે. લાલ લાઈટ વીવીઆઈપી કલ્ચરની ઓળખ હતી. તમને હતું કે તમારા નેતાઓ અને અધિકારીઓ લાલ લાઈટ હટાવી દેશે એટલે વીઆઈપી કલ્ચર ખતમ થઈ જશે પણ તેવુ થયુ નહીં. કારણ વીઆઈપી કલ્ચર તો હ્રદય અને વ્યવહાર ઉપર હાવી થઈ ગયુ છે. આપણે આઝાદ થયા પછી જેટલા નેતાઓ અને અધિકારીઓ આવ્યા તેમના ડીએનએમાં જાણે બ્રિટિશર્સ રહી ગયા હોય તેવુ લાગે છે.

સામાન્ય માણસ અને નેતા-અધિકારી માટે આજે પણ કાયદા જુદા છે. રસ્તાની બાજુમાં સામાન્ય માણસ વાહન પાર્ક કરે તો પોલીસ ટોઇંગ કરી જાય છે પણ કારની નંબર પ્લેટ નીચે એમએલએ, એમપી, મેજીસ્ટ્રેટ અને ચેરમેન જેવા હોદ્દાઓ લખેલા હોય તો તેઓ રસ્તાની બરોબર વચ્ચે પણ કાર પાર્ક કરી શકે છે કારણ આ પ્રકારના નેતા અને અધિકારી કાયદાથી પર છે. લાલ લાઈટ હટાવવાનો ઈરાદો બહુ સ્પષ્ટ હતો કે સરકારી કારમાં ફરતા નેતા અને અધિકારીઓ સામાન્ય માણસની જેમ જ જીવે અને તેમના વ્યવહારને કારણે સામાન્ય પ્રજાને કોઈ તકલીફ પડે નહીં, તેઓ પણ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહે, નેતાઓ અને અધિકારીઓ માટે પ્રજાના રસ્તા બંધ થાય નહીં, હોસ્પિટલ જતી એમ્બુલન્સને સાઈરન મારતા ટ્રાફિક વચ્ચે અટવાઈ રહેવુ પડે નહીં, સ્કૂલ-કોલેજ અને નોકરીએ જતો સામાન્ય માણસ પોતાના નિર્ધારીત સ્થળે રોજ પ્રમાણે પહોંચી શકે તો વીઆઈપી કલ્ચર ગયું તેવુ કહી શકાય.

પરંતુ નરેન્દ્ર મોદી તમે ગઇકાલે અમદાવાદમાં નવી એસવીપી હોસ્પિટલનું ઉદ્ધાટન અને શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા અમદાવાદ આવ્યા અને જાણે અમદાવાદના લોકોનું જીવવુ હરામ થઈ ગયુ હોય તેવી સ્થિતિ તમારા તંત્રએ ઉભી કરી છે. પોલીસ રસ્તાઓ બંધ કરે છે. લોકો ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ જાય છે, પોલીસ રસ્તા ઉપર ઉભા રહેલા લોકો જાણે ચોર અને બદમાશ હોય તે રીતે અપમાનીત કરે છે. સામાન્ય માણસ સાથે તો દુરવ્યવહાર થાય છે પણ હોસ્પિટલ જતા દર્દીની એમ્બ્યુલન્સને પણ પોલીસ રોકી રાખે છે. આમ તો તમારો પ્રયાસ દેશના લોકોને વધુમાં વધુ રોજગારી મળે તેવો રહ્યો છે. પરંતુ તમે આવવાના બે દિવસ પહેલાથી પોલીસ અને કોર્પોરેશનવાળા રસ્તે લારી અને ખુમચો લગાડી બે ટંકનો રોટલો કમાતા ગરીબોને ઉભા રહેવા દેતા નથી. આ તો કેવી વિટંબણા કે દેશના વડાપ્રધાનને કારણે સામાન્ય માણસની રોજગારી છીનવાઈ જતી હોય, તમારે આ રસ્તા ઉપર ધંધો કરતા ગરીબોના મનને પણ સમજવા પડશે.

નરેન્દ્રભાઈ તમે શ્રીમંત પરિવારમાંથી આવતા નથી, તમે ગરીબી અને મધ્યવર્ગની હાડમારી જોઈ છે. તમે ભાજપમાં આવ્યા પછી તમે પણ મનોજ ભીમાણી અને ગીરીશ દાણી દ્વારા મોકલવામાં આવતી કારમાં સામાન્ય માણસની જેમ ફર્યા છો. તમે ત્યારે ચાર રસ્તામાં ટ્રાફિક વચ્ચે ઉભા રહેતા હતા, આવુ 2001 સુધી બરાબર ચાલ્યુ અને પછી તમે મુખ્યમંત્રી થયા અને બધુ બદલાઈ ગયુ. પોલીસ અને કમાન્ડોના વાહનો વચ્ચે ઘેરાયેલા તમે રહો છો. તમે નિકળવાના દસ કલાક પહેલા પોલીસ રસ્તા ઉપર ગોઠવાઈ જાય  છે. તે પણ ભુખી તરસી હોવાને કારણે જેમ ગરીબ પોતાનો ગુસ્સો બૈરા ઉપર કાઢે તેમ પોલીસ પણ તમારો ગુસ્સો અમારી ઉપર કાઢે છે. સરકારી તંત્ર તમે આવવાના એક અઠવાડિયાથી પ્રજાના કામ બંધ કરી દે છે. કોઈ પણ સરકારી ઓફિસમાં જાવ તો પીએમ આવવાના છે તેવુ કહી અમને અઠવાડીયા પછી આવજો કહી કાઢી મુકવામાં આવે છે.

નરેન્દ્રભાઈ આ વીઆઈપી કલ્ચર અમને કનડે છે અને હેરાન કરે છે. તમે તમારાથી જ એવી કોઈ શરૂઆત કરો, આ વીઆઈપી કલ્ચરનો અંત આવે, તમે જ્યાં પણ જાવ ત્યારે તે સામાન્ય પ્રજાના જીવનમાં સુખ સુવિધા વધારનારૂ હોય તમને જોઈ સામાન્ય માણસ પણ રાજી થાય તેવી વ્યવસ્થા કરવા તંત્રને કહો. તમારો રોડ શો અખબારમાં મોટી જગ્યા રોકશે પણ દેશની ગરીબ પ્રજાને ક્યારેય આવા નવાબી તાયફા ગમ્યા નથી. તમારા જીવનની કિંમત અમને ખબર છે, તમે એકસો વર્ષ સારી રીતે જીવો તેવી અમે કાયમ પ્રાર્થન કરીએ છીએ, તમારી સુરક્ષા પણ એટલી જ જરૂરી છે કારણ તમે અમારા વડાપ્રધાન છો. ભારતે પોતાના બે-બે વડાપ્રધાન ગુમાવ્યા છે,તેથી તમારી સુરક્ષામાં કચાશ રહી જાય તે દેશને પાલવે તેમ નથી. આમ છતાં દેશ પરેશાન ન થાય તેની કાળજી રાખશો. વાઈબ્રન્ટ ગુજરાત સફળ રહે તેવી શુભકામના સાથે.

પ્રશાંત દયાળ