મેરાન્યૂઝ નેટવર્ક.મૈનહેટનઃ અમેરિકાના મૈનહૈટનમાં એક ટ્રક ડ્રાઈવરે ઘણા લોકોને કચડી નાંખ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. ટ્રક ડ્રાઈવરે પ્રવાસીઓ, સાયકલ ચાલકો અને બાઈક ચાલકોની લેનમાં ટ્રક ઘુસાડી દીધી હતી. ઘટનાની નિંદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી.

આ ઘટનામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ ઘટનાને નજીકથી અનુભવી છે. પ્રિયંકાએ ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માને શાંતિ આપી છે અને કહ્યું કે જ્યાં હુમલો થયો તે તેના ઘરની સાવ નજીક છે.

પ્રિયંકા ક્વાન્ટિકો સીરીયલની ત્રીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. તેણે ટ્વીટ કરતા કહ્યું કે જે જગ્યા પર હુમલો થયો તેનાથી તેનું ઘર માત્ર પાંચ બ્લોક્સના અંતરે છે. ન્યૂયોર્ક પોલીસે શખ્સની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે હુમલાખોર ઉઝ્બેકિસ્તાનનો સંદિગ્ધ આતંકી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, અમે આઈએસઆઈએસને પોતાના દેશમાં ઘુસવા નહીં દઈએ. તેમણે હુમલાખોરને ડરપોક પણ કહ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર આ શખ્સે વાપરેલી ટ્રકમાંથી આઈએસઆઈએસના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ શખ્સની ઓળખ સેફુલો સાઈપોવ તરીકે થઈ છે. ડ્રાઈવર જ્યારે ટ્રકમાંથી બહાર નીકળ્યો ત્યારે તેને પોલીસે પેટમાં ગોળી મારી હતી. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે શખ્સના હાથમાં બે બંદૂક હતી.