મેરાન્યૂઝ નેટવર્ક.એટલાન્ટાઃ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં બિરાજમાન શ્રીનાથજી અને કલ્યાણરાયજી સન્મુખ શનિવાર તા.15 જૂને આમ્ર કુંજ-આમ્ર મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરાની કલ્યાણરાયજી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય શરણમ્ કુમારજીએ તેમના વચનામૃતમાં કેરીમાં રહેલા નરમ અને કઠોર જેવા ગુણોના ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેરીમાં રહેલા દીનતા, વિવેક અને ક્ષમાપણા જેવા ગુણો ધારણ કરનાર પ્રભુને પ્યારા બને છે તેમ સમજાવ્યું હતું.

ગોકુલધામ હવેલીમાં વિવિધ ઉત્સવો અને મનોરથો ઉજવાય છે. જે અંતર્ગત શનિવારે ઠાકોરજીના સુખાર્થે આમ્ર કુંજ-આમ્ર મહોત્સવ ઉજવાયો હતો. આમ્ર મહોત્સવ અંતર્ગત વૈષ્ણવ શ્રદ્ધાળઓ દ્વારા ઠાકોરજીને વિવિધ જાતની વિદેશી અને ભારતીય કેરીઓ અર્પણ કરાઇ હતી. આ કેરીઓની અનોખી સજાવટ સાથે શ્રીનાથજી અને કલ્યાણરાયજી પ્રભુ સન્મુખ કેરીના મનોરથનું આયોજન કરાયું હતું. ઠાકોરજીની પીઠિકાની ફરતે આંબાવાડિયામાં આંબાના વૃક્ષોની ડાળખીઓ પર ઝુલતી રસદાર કેરીઓની યાદ તાજી કરાવતું દ્રશ્ય સજાવટરૂપે જોઇ વૈષ્ણવ ભક્તો આનંદવિભોર બન્યા હતા.

આમ્ર મહોત્સવ અંતર્ગત ગોકુલધામના જગદગુરુ હોલમાં યુવા વૈષ્ણ‌વાચાર્ય શરણમ્ કુમારજી તેમજ વૈષ્ણ‌વાચાર્ય પરેશ બાવાશ્રીના વચનામૃતનો લ્હાવો વૈષ્ણ‌વસૃષ્ટિને મળ્યો હતો. શરણમ્ કુમારજીએ આમ્ર મહોત્સવ સંદર્ભે જણાવ્યું હતું કે, જે ઋતુ આવે તે ઋતુ પ્રમાણે સ‌ર્વોત્તમ વસ્તુ પ્રભુ અર્પણ કરાય છે. કેરીની સિઝનમાં પ્રભુને અર્પણ થતી કેરી બહારથી નરમ અને અંદરથી કઠોર હોય છે. આ કેરી વૈષ્ણવોને અન્ય વ્યક્તિ સાથે કેવી રીતે વર્તવું તે શીખવે છે. નરમ ભાગ દીનતા, વિવેક અને ક્ષમાપણું જ્યારે કઠોર ભાગ ગમે તેવી મુસીબતો કે મુશ્કેલીઓ આવે ત્યારે દ્રઢ સંકલ્પ અને પ્રભુમાં રહેલા દ્રઢ વિશ્વાસથી તેનો સામનો કરવાનું શીખવે છે. આ ગુણો ધારણ કરી પ્રભુના પ્યારા બની જવાય છે તેમ તેઓએ સમજાવ્યું હતું.