મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં હરિયા કોલેજની સામે આવેલા એન્ટલાટીક બિલ્ડિંગના સેલરમાંથી જીવલેણ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતકના  ભાઇની ફરિયાદ નોંધી હત્યા નિપજાવી ભાગી ગયેલા શખ્સોની ભાળ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં હરિયા કોલેજની સામે આવેલ એન્ટલાટીંક નામના બિલ્ડિંગમાં સેલરમાંથી ગઇકાલે વહેલી સવારે એક અજાણ્યા યુવાન ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલ હતો. દરમિયાન આ યુવાનને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અજાણ્યા યુવાનના દેહની પોસ્ટમોર્ટમ વિધી હાથ ધરી આ બનાવ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. દરમિયાન આ યુવાન દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતો હોવાની અને આ જ વિસ્તારમાં મજુરી કામ કરતો હોવાની વિગતો સામે આવી હતી. મદનરામ ડેમારામ બાલેશ્ર્વરામ ચમાર નામના મુળ બિહારના બક્સર જિલ્લાના પરસડા ગામના આ યુવાનની તેના ભાઇ વિંઘ્યાચલરામે ઓળખ આપી હતી. પોતાના ભાઇની સાથે રહેતો યુવાન છેક બિહારથી અત્રે મજુરીકામ માટે આવ્યો હતો. દરમિયાન પીએમ રીપોર્ટમાં માથા પરના ઘા બોથડ પદાર્થના હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે મદનરામની હત્યા નિપજાવી હોવાની દર્શાવેલી આશંકા સ્પષ્ટ થઇ હતી. આ બનાવને લઇને સીટી સી ડિવિઝન પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ નોંધી હતી. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા કોઇપણ કારણસર મૃતકને માથાના ભાગે ઇંટના ઘા મારી તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજા પહોચાડી આરોપીઓ નાસી ગયાનો આરોપ લગાવાયો છે. પોલીસે અજાણ્યા શખ્સો સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.