મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના શહીદ દિવસ નિમિત્તે આયોજિત એક વિશાળ રેલીમાં આગામી લોકસભાની ચૂંટણી ટીએમસી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી. આ સાથે પંડાલ નથી સંભાળી શકતા, તેઓ દેશ શું સંભાળશે? તેવો વડાપ્રધાન પર કટાક્ષ કરતા આગામી ૧૫ ઓગષ્ટથી 'ભાજપ હટાવો, દેશ બચાવો' અભિયાનનો પ્રારંભ કરવાણી જાહેરાત કરી છે.

કોલકત્તામાં પાર્ટીના શહીદ દિવસ પર આયોજિત રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૦૧૯માં TMC એકલાં હાથે જ ચૂંટણી લડવાનો સંકેત આપતા જણાવ્યું હતું કે, ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે અને તેની શરૂઆત બંગાળથી થશે. ગયા શનિવારે વડાપ્રધાન મોદીની મિદનાપુર રેલીમાં થયેલી દુર્ઘટનાને લઈને કટાક્ષ કરતા મમતાએ કહ્યું કે, જે લોકો પંડાલ નથી સંભાળી શકતા, તેઓ દેશ શું સંભાળશે? ભાજપને માત્ર ૧૫૦ બેઠક મળવાનું જણાવતા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની લોકસભાની તમમ ૪૨ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે તેમણે TMC દ્વારા ભાજપ વિરૂદ્ધ આગામી ૧૫ ઓગસ્ટથી 'ભાજપ હટાવો, દેશ બચાવો' અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી.મમતા બેનર્જીએ આક્રમક શૈલીમાં વધુમાં કહ્યું હતું કે, "દેશભરમાં મોબ લિચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. તેઓ લોકોમાં તાલિબાન પેદા કરી રહ્યાં છે. મમતાએ ભાજપ, કોંગ્રેસ અને CPI વિરૂદ્ધ રાજકીય લડત યથાવત રાખવાનું જણાવતા કહ્યું હતું કે, બીજી બાજુ રાજ્યમાં વિકાસ કાર્ય પણ ચાલુ રહેશે. આ રેલીમાં ભાજપના નેતા અને રાજ્યસભા પૂર્વ સાંસદ ચંદન મિત્રા TMCમાં જોડાયા હતા. આ સાથે CPMના પૂર્વ સાંસદ મોઇનુલ હસન, કોંગ્રેસ નેતા યાસ્મિન અને એડવોકેટ જનરલ વિશ્વજીત દેવએ પણ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીની સભ્યતા સ્વીકારી હતી. આ પ્રસંગે ભાજપના પૂર્વ સંસદ મિત્રા પાર્ટીમાં જોડાતાં મમતાએ કહ્યું હતું કે, ભાજપ અને RSSમાં કેટલાંક સારા લોકો છે, તેમનું હું સન્માન કરું છું, પરંતુ કેટલાંક લોકો ગંદુ રાજકારણ કરી રહ્યાં છે.