મેરાન્યૂઝ નેટવર્ક, ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં પોલીસે એક એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન 13 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનને ચાર વર્ષમાં સૌથી મોટી નક્સલ વિરોધી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ પહેલા ગત 3 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર કરા હતા જેમાં બે મહિલાઓ સામેલ હતી.

ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે આ અથડામણ ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગઢચિરોલીના આ એન્કાઉન્ટરમાં નક્સલ લિડર સાઇનાથ અને સીનૂ પણ માર્યા ગયા છે. મહારાષ્ટ્ર પોલીસે રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સક્રિય નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના નક્સલ પ્રભાવિત 126 જિલ્લામાંથી સરકારે 44 જિલ્લાઓને નક્સલ મુક્ત વિસ્તાર જાહેર કર્યા છે. જો કે બીજી તરફ નવા આઠ જિલ્લાઓને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યા 35થી ઘટીને 30 થઇ છે. બિહાર અને ઝારખંડના 5 જીલ્લા અતિ નક્સલ પ્રભાવિત ટેગથી મુક્ત કરવામાં આવ્યા છે.