મેરાન્યૂઝ નેટવર્ક, નાગપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં રામદેગી વનમાં એક વૃક્ષ નીચે ધ્યાન કરી રહેલા 35 વર્ષના બૌદ્ધ ભિક્ષુકને ગત મંગળવારે દીપડાએ પોતાનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે. નાગપુરથી 150 કિલોમીટર દૂર સ્થિત પૂર્વ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દીપડાના હુમલામાં માર્યા ગયેલ ભિક્ષુકની ઓળખ રાહુલ વાલ્કે તરીકે કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે મૃતક ભિક્ષુક છેલ્લા એક મહિનાથી આ સ્થાને રહેતો હતો. તદોબા અંધારી વાઘ સંરક્ષિત્ર ક્ષેત્ર (બફર) ના ઉપ નિર્દેશક ગજેન્દ્ર નરવાનેએ જણાવ્યું કે આ ઘટના ગત મંગળવાર સવારે 10 વાગ્યા આસપાસ બની હતી. આ ઘટના જંગલમાં આવેલ ઐતિહાસિક બૌદ્ધ મંદિરથી થોડે દૂર આવેલ એક વૃક્ષ નીચે બની હતી જ્યાં એક બૌદ્ધ ભિક્ષુક ધ્યાનમાં બેઠો હતો. છેલ્લા એક મહિનાથી ભોજન લેવા માટે વાલ્કેની સાથે બે બૌદ્ધ ભિક્ષુક જતા હતા. અહીં જગલી પશુઓ હોવા અંગેની જાણકારી પણ બૌદ્ધ ભિક્ષુકને વન વિભાગના કર્મચારીઓએ આપી હતી. ઘટના સ્થળેથી ભીક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વાઘ 510 કિલોમીટર ચાલીને મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશ પહોંચી ગયો હતો અને બે ખેડૂતોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને ગત સોમવારે જ આ વાઘને પકડી લેવામાં આવ્યો હતો.