મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. તેમાં ત્રણ ટર્મથી મુખ્યમંત્રી તરીકે રહેલા શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહએ કોંગ્રેસમાં જોડાઈને ભાજપને જોરદાર ઝાટકો આપ્યો છે. મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે યોજાનારી સામાન્ય ચુંટણી અગાઉ ટીકીટ નહિ મળતા નારાજ થયેલા સંજયસિંહ કોંગ્રેસમાં જોડતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી સંભાળી રહેલા કમલનાથ અને જ્યોતિરાદીત્ય સિંધિયાની હાજરીમાં કોંગ્રેસનું સભ્ય પદ મેળવ્યું હતું. મધ્યપ્રદેશમાં ત્રણવાર મુખ્યમંત્રી રહી ચુકેલા શિવરાજસિંહ માટે વ્યક્તિગત રીતે ખુબ જ મોટો આંચકો છે. જયારે કોંગ્રેસમાં જોડાયેલા તેમના સાળા સંજયસિંહે કોંગ્રેસમાં જોડાવવાની સાથે જ કમલનાથના ભરપુર વખાણ કર્યા છે. જેમાં સંજયસિંહે તો ત્યાં સુધી કહ્યું કે, મધ્યપ્રદેશને હવે “રાજ“ નહિ, પરંતુ “નાથ“ની જરૂરત છે. સંજયસિંહ શિવરાજસિંહની પત્ની સાધના સિંહના ભાઈ છે. પરંતુ ટીકીટ નહિ મળતા સંજયસિંહ પોતાના જીજા અને ભાજપથી ખુબ નારાજ થયા હતા.

ભાજપમાં ટીકીટ ફાળવણી પછી ઉભા થયેલા અસંતોષને ડામવા મોવડી મંડળે ડેમેજ કંટ્રોલ શરૂ કરી તેમાં સફળ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તો બીજીતરફ કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી જાહેર થતા જ આંતરિક જૂથબંધી અને કકળાટ સામે ઝઝૂમી રહી છે. તેમાં કોઈ સમાધાન સાથે ઉકેલ લાવવા માટે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજર રહેવું પડ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં જ બાખડી પડેલા દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદીત્ય સિંધિયાના ઝઘડાથી પણ કોંગ્રેસ પરેશાન છે.