મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશના દરજ્જો પ્રાપ્ત રાજ્યમંત્રી સંત નામદેવ શાસ્ત્રી ઉર્ફે કમ્પ્યુટર બાબાએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર ઉપેક્ષા કર્યાનો આક્ષેપ કરી પોતાના પદેથી રાજીનામું આપી દીધું.

રાજ્યમંત્રી પદેથી રાજીનામા બાદ પત્રકારો સાથે વાત કરતા કમ્પ્યુટર બાબાએ કહ્યું કે, મેં ગાયોની સ્થિતિ અને નર્મદા નદીમાં થઇ રહેલા ગેરકાયદે ખોદકામ પર ચર્ચા કરી હતી. પરંતુ મને કંઇ પણ કરવાની મંજૂરી ન હતી. હું સંતોના વિચારને સરકાર સમક્ષ ન રાખી શક્યો તેથી હું આવી સરકારનો હિસ્સો બનવા માગતો નથી.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન તાકતા કમ્પ્યુટર બાબાએ કહ્યું કે અમારી પાસે એક સિસ્ટમ છે, જ્યાં બધા સંત એક સાથે બેસે છે અને કોઈપણ મુદ્દે નિર્ણય કરે છે. સંતોએ કહ્યું કે હું શિવરાજ સરકાર પાસેથી કંઇ પણ કામ ન કરવી શક્યો અને હું માનુ છું કે સંતોએ જે કહ્યું તે સાચુ કહ્યું છે. મને અનુભવાયુ કે શિવરાજ ધર્મની વિપરીત છે અને ધર્મનું કોઈ કામ કરવા નથી ઇચ્છતા તેથી મેં રાજીનામું આપી દીધું.

કમ્પ્યુટર બાબાએ માગણી કરી કે મધ્ય પ્રદેશમાં જેમ ગૌ મંત્રાલય બન્યું છે તેમ નર્મદા મંત્રાલય પણ બનવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે કમ્પ્યુટર બાબા તે પાંચ સંતોમાં સામેલ હતા જેમને શિવરાજ સરકારે ગત એપ્રિલ મહિનામાં રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો.