મેરાન્યૂઝે નેટવર્ક, નવી દિલ્હી: સીબીઆઇના ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે કેન્દ્ર સરકારે સીબીઆઇના ચીફ આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા છે. રજા પર ઉતારી દેવાના નિર્ણય સામે આલોક વર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને તેની સુનાવણી આગામી 26 ઓક્ટોબરના રોજ થશે તેવી શક્યતા છે. વર્માના સાથે એમ. નાગેશ્વર રાવને વચગાળાના સીબીઆઇ ડાયરેક્ટરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. નાગેશ્વર રાવ હાલ સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 1986 બેચના ઓરીસ્સા કેડરના આઇપીએસ અધિકારી રાવ તેલંગણાના વારંગલ જીલ્લાના રહેવાસી છે.

કેન્દ્ર દ્વારા જાહેર આદેશમાં રાવને તાત્કાલિક અસરથી વર્માના સ્થાને નિમવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ પોતાના જ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. એફઆઇઆરમાં રાકેશ અસ્થાના પર માંસના વ્યાપારી મોઇન કુરેશી પાસેથી 3 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સોમવારે વડાપ્રધાન મોદીએ આ મામલે દખલ કરી હતી. ડાયરેક્ટર વર્માએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ એક કલાકમાં જ ડીસીપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી હતી અને થોડા સમય બાદ તમામ અધિકારીઓના રહેઠાણો પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા.

બીજી તરફ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો પર કેસ દાખલ કરનાર સીબીઆઇના નિર્ણયને રાકેશ અસ્થાના સહિત દેવેન્દ્ર કુમારે કોર્ટમાં પડકાર્યો છે અને આ મામલે આગામી સુનાવણી 29 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે અને ત્યા સુધી રાકેશ અસ્થાનાની ધરપકડ નહીં કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. જેથી સરકારે સામ-સામે આક્ષેપ કરનાર બંને અધિકારીઓને રજા પર ઉતારી દીધા છે.