મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ લોકરક્ષક દળ પરીક્ષા પેપર લીક થતા પરીક્ષા રદ થયા બાદ ૬ જાન્યુઆરીના રોજ યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા રાજ્ય ભરતી બોર્ડ દ્વારા યોજાઈ હતી. જેમાં ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકર લગાવાયા ન હોવાથી પરીક્ષાની ગુપ્તતા ન જળવાયાની બુમો ઉઠી હતી. અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય કિર્તિ પટેલે પી.એમ.ઓ અને સી.એમ.ઓમાં અગાઉ રજૂઆત કરી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. કિર્તિ પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની ઓફિસના લેન્ડ લાઈન નંબર પર વાત કરવાનો પ્રયત્ન કરતા તેમની સાથે તો વાત ન થઈ પરંતુ તેમના પી.એ સાથે વાત થતા લોક રક્ષક દળની પરીક્ષામાં બારકોડ સ્ટીકર લગાવવાના રહી ગયા હોવાનો ઓડિયો વાઈરલ થતા ચકચાર મચી હતી.

6 જાન્યુઆરીના રોજ લેવાયેલી લોક રક્ષક દળની પરીક્ષામાં થયેલી કથિત ક્ષતી અંગે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કિર્તિભાઇ પટેલે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. તેમણે લોક રક્ષક દળ પરીક્ષાના અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય સાથે ટેલીફોનીક વાત કરવાનો પ્રયાસ કર્યા હતો. જોકે તેમની સાથે વાત ન થઇ શકતા રક્ષા શક્તિ યુનિવર્સિટીના લેન્ડલાઇન ટેલિફોન નંબર પર કોલ કરી સહાયના પીએ ભરતભાઈ સાથે ટેલીફોનીક વાત કરી હતી. આ વાર્તાલાપ દરમિયાન પી.એ એ વાત કબુલ કરી હતી કે ઉતાવાળે પરીક્ષા લેવામાં આવી હતી. જેના કારણે વ્યવસ્થામાં ચુકના લીધે બારકોડ સ્ટીકર લગાવાના રહી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કિર્તિભાઇ પટેલનું માનવું છે લોક રક્ષક દળની પરિક્ષામાં બારકોડ સ્ટીકર ન લગાવવાના કારણે પરિક્ષાર્થીની ઓળખ છતી થાય છે અને પરિણામે પરીક્ષાની પારદર્શકતા મોટા પ્રશ્ન ઉભા થયા છે.