મેરાન્યૂઝ નેટવર્ક, વોશિંગ્ટન: અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર પર હેટ ક્રાઇમ હેઠળ તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તોફાની તત્વોએ મંદિરમાં ઘુસીને ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેક્યો તથા હોલમાં રાખવામાં આવેલી ખુરશી પર ચાકુ ખોપી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના કેન્ટુકીના લુઇસવિલે શહેર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ગત રવિવાર રાતથી મંગળવાર દરમિયાનમાં બની હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી આ મામલે શંકમંદો પકડાયા નથી. સ્વામિનારાયણ મંદિરના પદાધિકારીઓનું કહેવુ છે કે આ ઘટના કોઈ વીડિયો પણ તેમની પાસે નથી. અમેરિકાના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર તોફાની તત્વોએ તોડફોડ દરમિયાન ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેંક્યો હતો તથા મંદિરની બારીઓ તોડી નાખી હતી તથા દીવાલ પર ધાર્મિક ઉશ્કેરણીજનક સૂત્ર પણ લખ્યા હતા.

આ ઘટનાથી કેન્ટુકીના લુઇસવિલેમાંર અહેતા એનઆરઆઇ સમુદાયમાં દુખની સાથે રોષની લાગણી વ્યાપી ગઇ છે. લુઇસવિલે શહેરના મેયર ગ્રેગ ફિશરે અપીલ કરી હતી કે લોકોએ આ ધ્રૃણાસ્પદ ઘટનાની વિરૂદ્ધમાં ઉભા રહેવું જોઈએ. મેયરે મંદિરની મુલાકાત પણ લીધી હતી અને કહ્યું કે જ્યારે પણ આપણી સમક્ષ ધ્રૃણા કે કટ્ટરપંથ આવે આપણે તેમની સામે લડીશું.