મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાના ભાજપા પ્રવેશને હજુ માંડ બાર દિવસ થયા ત્યાં જ રીવાબાએ આજે ભાજપના નિરીક્ષકો સમક્ષ જામનગર લોકસભા લડવાની મજબુત દાવેદારી નોંધાવી છે. સીટીંગ એમપી પૂનમબેન માડમ અને રીવાબા એમ બે જ દાવેદાર છે. ત્યારે માત્ર બે જ ઉમેદવારને લઈને વધુ એક વખત જામનગર લોકસભા વધુ એક વખત ચર્ચામાં આવી છે.

જ્યારથી મિસ્ટર એન્ડ મીસીસ જાડેજા દંપત્તી વડાપ્રધાનને મળ્યું છે ત્યારથી જામનગરના રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસના આગલા દિવસે જ રીવાબાના ભાજપમાં પ્રવેશને લઈને આગામી લોકસભામાં કંઇક નવા જૂની થવાની રાજકીય પંડિતોએ શક્યતા વ્યક્ત કરી છે. સીટીંગ એમપી પૂનમબેન માડમને વિરામ આપી વડાપ્રધાન રીવાબાને લોકસભા લડાવવા માંગતા હોવાના રાજકીય ગણિતને ત્યારે વેગ મળ્યો જ્યારે રીવાબાએ જામનગર આવેલા પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી અને મોદી એ પણ ‘તૈયારી શરુ કરી દો, લાગી જાવ કામમાં’ એમ કહ્યું હતું. વડાપ્રધાને કયા અર્થમાં રીવાબા સાથે વાત કરી એ રહસ્ય રહ્યું છે. કેમ કે તેઓએ પક્ષ માટે કામ કરવાની વાત હતી કે લોકસભાની તૈયારીની વાત હતી? આ બંને બાબતને લઈને વધુ એક વખત ચર્ચાઓ છેડાઈ છે. આ ચર્ચા વચ્ચે આજે વધુ એક સમીકરણ ઉમેરાયું છે.

આજે જામનગર ખાતે ભાજપા નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં ભાજપા તરફથી રીવાબા અને સીટીંગ એમપી પૂનમ માડમે જ દાવેદારી વ્યક્ત કરી છે. આ સેન્સ પ્રક્રિયાને લઈને રીવાબા લોકસભા લડે છે એમ હાલ ચર્ચાઓ તેજ બની છે. જો કે ભાજપા કંઇક નવું કરવા ટેવાયેલ પક્ષ છે. ત્યારે પક્ષ કોને ટીકીટ આપે તે જોવાનું રહ્યું? સીટીંગ એમપી પૂનમબેન માડમને રીપીટ કરે છે કે પછી રીવાબાને લડાવે છે? એ નજીકના સમયમાં સ્પષ્ટ થઇ જશે.