મેરાન્યૂઝ. નેટવર્ક, ગાંધીનગર : આગામી ૧૧ એપ્રિલથી ૧૯ મેં દરમિયાન લોકસભાની ૧૭મી ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે કુલ ૭ તબક્કામાં થનારાં મતદાનમાં દેશભરનાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં દરેક મતદારનાં હાથની આંગળી ઉપર શાહીની લીટી કરવા માટે કુલ રૂપિયા ૩૩ કરોડ રૂપિયાની ૨૬ લાખ પાક્કી અલોપ્ય શાહીની બોટલનો ઉપયોગ કરવામાં આવશે. ગઈ ચૂંટણી કરતા આ વર્ષે લગભગ ૪.૫ લાખ બોટલ વધારે મંગાવવા સાથે આ શાહીની બોટલોનાં ખર્ચમાં ત્રણગણો વધારો થયો છે.

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી આગામી ૧૧ એપ્રિલથી યોજાનાર છે. જેમાં ૧૯ મેં એ સંપન્ન થનારી આ ચૂંટણીમાં કુલ ૭ તબક્કામાં મતદાન થનાર છે. આ ચૂંટણી માટે દેશભરનાં કુલ ૯૦ કરોડ જેટલાં મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે દરેક મતદારને ડાબા હાથે પહેલી આંગળીએ પાક્કી અલોપ્ય શાહીથી લીટી કરવામાં આવે છે. તેના માટે દરેક મતદાન કેન્દ્રમાં બે બોટલ પાક્કી શાહીની આપવામાં આવે છે. એક બોટલમાં ૧૦ મીલી કાળી-વાદળી પાક્કી શાહી હોય છે.

ભારતમાં ૧૯૬૨થી દરેક ચૂંટણીમાં આ અલોપ્ય એટલે કે ભૂંસી ના શકાય તેવી પાક્કી શાહી વાપરવામાં આવે છે. હવે બેલેટની જગ્યા એ ઇવીએમ વપરાતા હોવા છતાં આ અલોંપ્ય શાહીના વપરાશમાં વધારો થયો છે. આ ચૂંટણીમાં મતદારો વધવા સાથે ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણી કરતા કુલ ૪.૫ લાખ શાહીની બોટલ વધારે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે ૨૦૦૯માં આ શાહી માટે રૂપિયા ૧૨ કરોડ જેટલાં થયેલાં ખર્ચની સામે આ વર્ષે ૩૩ કરોડ રૂપિયા ખર્ચાશે.

ભારતમાં ૨૦૦૪નાં વર્ષ સુધી દરેક મતદારની હાથની આંગળી ઉપર અલોપ્ય શાહીનું એક ટપકું જ કરવામાં આવતું હતું. પરંતું ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૬થી હવે મતદારના હાથની આંગળી ઉપર લાંબી લીટી કરવામાં આવે છે. એક બોટલથી ૩૫૦ જેટલા મતદારોની આંગળી ઉપર નિશાની કરી શકાય છે. આ વર્ષે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ૩ લાખ જેટલી અલોપ્ય શાહીની બોટલ વપરાશે. જ્યારે સૌથી ઓછી લક્ષદીપમાં માત્ર ૨૦૦ બોટલ જ વપરાશે. જ્યારે ગુજરાત રાજ્યના ૪. ૬૦ લાખ મતદારો માટે કુલ ૧. ૩૧ લાખ અલોપ્ય શાહીની બોટલ વપરાશે.