જયેશ મેવાડા, મેરાન્યૂઝ, ગાંધીનગર:  ભારત દેશમાં લોકસભાની ૧૭મી ચૂંટણી માટે ૧૧ એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાનાર છે. ત્યારે અત્યાર સુધી ૧૬ લોકસભાનાં ચૂંટણી જંગમા ઝંપલાવનાર ૪૪, ૯૬૨ અપક્ષ ઉમેદવારમાંથી માત્ર ૦.૫ ટકા એટલે કે ૨૨૨ અપક્ષો જ સંસદસભ્ય બની શકયા છે. જેમાં ૧૯૭૭માં યોજાયેલી છઠ્ઠી લોકસભાની ચૂંટણીથી અપક્ષ ઉમેદવારોની ઘટતી ગયેલી સંખ્યામાં ગુજરાતમાંથી હજુ સુધી માત્ર બે વખત જ અપક્ષ ઉમેદવાર એમપી બન્યાં છે. જ્યારે છેલ્લે ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર ૩ અપક્ષ ઉમેદવાર સાંસદ હતાં. તો ૧૯૯૧માં સૌથી ઓછાં એટલે કે, માત્ર એક જ અપક્ષ ઉમેદવાર સંસદભવન પહોંચી શક્યા હતા.

ભારત જેવા વિશાળ લોકશાહી ધરાવતા દેશમાં નાના-મોટા રાજકીય પક્ષોનો તોટો નથી.જેમાં દરેક રાજ્યોમાં પણ હવે પ્રાદેશિક પક્ષોની રહેલી બોલબાલામાં વિવિધ રાજકીય પક્ષોને હરાવીને સંસદીય મતવિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતવું લોઢાના ચણા ચાવવા સમાન હોવા સાથે ગૌરવરૂપ બાબત છે.ભારતમાં ૧૯૫૨થી ૨૦૧૪ સુધીમા લોકસભાની કુલ ૧૬ ચુંટણીઓ યોજાઈ છે. ક્યાક કોઈવાર યોજાયેલી પેટાચૂંટણી સહીત ગૌરવશાળી સંસદના સભ્ય બનવા માટે અત્યાર સુધીમાં કુલ ૪૪,૯૬૨ ઉમેદવારોએ અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. સમગ્ર દેશમાં અત્યારે કુલ ૨૦૭૫ જેટલી રાજકીય પાર્ટીઓ ચુંટણી પંચમાં નોધાયેલી છે.તેની વચ્ચે જંગ ખેલીને અત્યાર સુધીમાં કુલ ૨૨૨ અપક્ષ ઉમેદવારો જ સંસદસભ્ય બની શક્ય છે. જે ઉમેદવારી કરનાર અપક્ષ ઉમેદવારોના પ્રમાણમાં માત્ર ૦.૫ ટકા જેટલી જ છે.

સમગ્ર દેશમાં ૨૦૧૮માં થયેલી નોધણી પ્રમાણે ૭ રાષ્ટ્રીય પક્ષ, ૨૪ રાજ્ય કક્ષાના પક્ષ તેમજ અન્ય ૨૦૪૪ રાજકીય પક્ષો છે. તેમની વચ્ચે જીતેલા ૨૨૨ અપક્ષ ઉમેદવારોમાં લોકસભાની ૧૯૫૨માં યોજાયેલી પહેલી ચૂટણીમાં જ ૩૭ અપક્ષ સંસદ બન્યા હતા. આ પછી બીજી ચૂટણીમાં સૌથી વધારે ૪૭ અપક્ષ એમપી બન્યા હતા. જયારે ત્રીજી ચૂટણીમાં ૨૦, ચોથીમાં ૩૫ અને પંચમી ચૂટણીમાં ૧૪ અપક્ષ ઉમેદવારો સાંસદ થયા હતા. આ પછી વ્યકતિગત પ્રતિભાના બદલે પાર્ટી ઈમેજનું જોર વધતા અપક્ષ ઉમેદવારોની વિજયી યાત્રા ધીમી પડી ગઈ હતી. જેમાં ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની છઠ્ઠી ચૂટણીમાં ૯, સાતમીમાં પણ ૯,આઠમીમાં ૫ અને નવમી ચૂટણીમાં ૧૨ અપક્ષ વિજેતા થયા હતા. જયારે ૧૯૯૧માં યોજાયેલી દસમી ચૂટણીમાં સૌથી ઓછા માત્ર એક જ અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

૧૯૯૬માં ૯, ૧૯૯૮ અને ૧૯૯૯માં ૬-૬, ૨૦૦૪માં ૫, ૨૦૦૯માં ૯ તેમજ છેલ્લે ૨૦૧૪માં કેરળમાંથી ૨ અને ૧ સહીત માત્ર ૩ અપક્ષ ઉમેદવાર સંસદસભ્ય હતા. અપક્ષ ઉમેદવારોના આ ઈતિહાસમાં સૌથી વધારે ૩૭ અપક્ષ સંસદસભ્ય ઉત્તર પ્રદેશમાંથી વિજેતા થયા છે. જયારે રાજસ્થાનમાં ૧૯, બિહાર,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૧૮, આંધ્ર પ્રદેશમાં ૧૩, પશ્ચિમ બંગાળ અને કેરાલામાં ૧૧, તમિલનાડુમાં ૮, આસામમાં ૬, ઓરિસ્સા અને જમ્મુ-કાશ્મીરમાં ૫, છત્તીસગઢ અને પંજાબમાં ૪ તેમજ ગુજરાતમાંથી માત્ર ૩ અપક્ષ સંસદસભ્ય મળ્યા છે.

હવે પ્રાદેશિક પક્ષોની બોલબાલા સાથે વ્યક્તિગત પ્રતિભા ધરાવતા મજબૂત ઉમેદવારોને કોઈપણ પક્ષ ટીકીટ આપી દેતા હોવાથી અપક્ષ ઉમેદવારો વિજયી થતા નથી. જેમાં બળવાખોર રાજકીય નેતાઓને પ્રજા હવે વિધાનસભા સિવાય સ્વીકારતી પણ નથી. ગુજરાતમાં લોકસભાની ૧૯૬૭માં યોજાયેલી ચૂટણીમાં પ્રથમવાર સુરેન્દ્રનગર બેઠક ઉપરથી એચ.એચ.મહારાજા શ્રીરાજ મેઘરાજજી અપક્ષ ઉમેદવાર તરીકે એમપી બન્યા હતા. જયારે આ પછી ૧૯૭૨માં અમદાવાદ બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ માવળંકરના પુત્ર અને જાણીતા શિક્ષણવિદ પુરુષોત્તમ માવળંકર વિજયી થયા હતા. આ પછી ૧૯૭૭માં તેઓ ગાંધીનગર બેઠક પરથી બીજીવાર પણ અપક્ષ ઉમેદવાર તરીકે સંસદમાં પહોચ્યા હતા. જો કે ત્રીજીવાર ગાંધીનગરમાં અપક્ષ તરીકે ઉભા રહેતા તેમનો કારમો પરાજય પણ થયો હતો.