પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  આપણે ત્યાં ભીડ જોઈ જે નેતા ભાન ભુલે છે તેમનું ભવિષ્ય બહુ સારૂ હોતુ નથી. આવી સ્થિતિ આપણે અનેક નેતાઓની જોઈ ચુક્યા છીએ જેમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. અલ્પેશ રાજકારણના પાઠ તો પિતા ખોડાજી ઠાકોર પાસેથી શીખ્યા છે. પરંતુ પિતા ખોડાજીની જેમ રાજકારણમાં ક્યાં બ્રેક મારવી તેની હજી અલ્પેશને ખબર પડતી નથી. જેના કારણે અલ્પેશ ઠાકોર પોતાની વિશ્વાસનીયતા ગુમાવી રહ્યા છે. ઠાકોર પછાત છે, શિક્ષણનો અભાવ છે અને દારૂની બદીમાં ફસાયેલા છે તેવા સામાજીક કારણો લઈ બહાર આવેલા અલ્પેશનું લક્ષ્ય તો રાજકારણમાં પ્રવેશ કરવો જ હતું. પરંતુ ટુંકાગાળામાં ટુંકા ફાયદા માટે તોડજોડ કરતા અલ્પેશ ઠાકોરને કારણે હવે તેની ઠાકોર સેના જ ખાસ્સી નારાજ થઈ ગઈ છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર પોતાની ભીડ બતાડી ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પ્રભાવીત કર્યા હતા અને ત્યાર બાદ તેમને વિધાનસભામાં કેટલી બેઠકો આપશે તેવી માગણી કરી સોદાબાજી શરૂ કરી હતી. જો કે અમદાવાદના એક મોટા બિલ્ડર અને આઈપીએસ અધિકારી મારફતે અલ્પેશ ઠાકોરે અમિત શાહ સાથે બેઠકો કરી પરંતુ અલ્પેશ જેવા એક હજાર નેતાઓને ખાઈ જનાર અમિત શાહને  તરત અલ્પેશની નિયત અને તાકાતનો અંદાજ આવી ગયો હતો. જેના કારણે અલ્પેશની દાળ ત્યારે ગળી નહીં અને અલ્પેશે તરત કોંગ્રેસ તરફ શઢ વાળી લીધુ હતું. કોગ્રેસમાં રાહુલ ગાંધી સામે પોતે યુવા અને શક્તિશાળી નેતા છે તેવુ ચિત્ર ઉભુ કર્યુ અને તે રાહુલને પ્રભાવીત કરવામાં સફળ રહ્યા.

જેના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે પોતાની અને પોતાના કેટલાંક સાથીઓની ટિકિટ લેવામાં સફળ રહ્યા હતા. વિધાનસભાના દરવાજામાં પ્રવેશ કરતા અલ્પેશનો વ્યવહાર બદલાઈ ગયો હતો. પોતે રાષ્ટ્રીય નેતા હોય તેમ અન્યને તુચ્છ સમજવા લાગ્યા હતા. જેની ખાસ્સી નારાજગી ઠાકોર સેના અને કોંગ્રેસમાં પણ ફેલાઈ હતી. પોતાને સીધો રાહુલ ગાંધી સાથે સંપર્ક છે તેવા દાવો કરતા અલ્પેશ ઠાકોરે પોતાની મનમાની પ્રદેશ કક્ષાએ શરૂ કરી હતી. બીજી તરફ સુત્રોની જાણકારી પ્રમાણે ગૌતમ અદાણી અને પરિમલ નથવાણી મારફતે તેમણે અમિત શાહનો સંપર્ક પણ શરૂ કર્યો હતો અને તેમની સાથે બેઠક પણ કરી હતી.

આમ અલ્પેશ ભાજપ અને કોગ્રેસ બંને સાથે એક જ સમયમાં સોદાબાજી શરૂ કરી હતી. ભાજપ પાસે ઉત્તર ગુજરાતમાં પ્રભાવશાળી OBC નેતા નહીં હોવાને કારણે ભાજપને અલ્પેશમાં રસ પડ્યો હતો, પરંતુ પોતાની હેસીયત કરતા પોતાની કિમંત ઉંચી આકનાર અલ્પેશની માગણીઓ અંગે ભાજપે ફોડ પાડ્યો નથી. જો કે અલ્પેશની તીવ્ર ઈચ્છા છે કે ભાજપમાં જો આવતીકાલે ગોઠવાતુ હોય તો તે આજે કોંગ્રેસ છોડવા તૈયાર છે. અલ્પેશ માટે રાજકિય નૈતિકતાનું કોઈ મહત્વ નથી જ્યાં ફાયદો દેખાય તે તરફ વળી જવામાં માને છે. જેના કારણે છેલ્લાં કેટલાંક દિવસથી કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે તેવી બુમો પાડી તે ભાજપ તરફ જવાના પોતાના રસ્તાને તૈયાર કરી રહ્યો છે. જો કે હવે તેઓ દારૂબંધી અને ઠાકોરના શિક્ષણ અંગે બોલતા નથી કારણ કદાચ ઠાકોરોએ હવે દારૂ પીવાનું છોડી દીધુ છે અને શિક્ષિત પણ થઈ ગયા છે.