મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે વણઝારા વાસમાં રહેતા નામચીન બુટલેગર ઈશ્વર ગોબર વણઝારાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં રહેણાંક મકાન નજીક પાયામાં સંતાડીને રાખેલો રૂ.૩,૩૨,૯૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને લઇને ભિલોડા પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહેશ.આર.સંગાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
                     
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી મેઘરજ નદીના કાંઠે ખુલ્લેઆમ વિદેશી દારૂનો ઠેકો ચલાવતા અને રાજ્યમાં મોટા પાયે વિદેશી દારૂ ઠાલવતા નામચીન બુટલેગર રમેશ અરજન ડામોરના મેઘરજ નજીક આવેલા બાંઠીવાડા (અજુ હિરોલા) ઘરે ત્રાટકી રૂ.૨૪૧૨૦૬ના વિદેશી દારૂ અને પીક-અપ વાન મળી કુલ રૂ.૩,૪૩,૨૦૬ નો મુદ્દામાલ સાથે બુટલેગરને દબોચી લીધો હતો. જો કે જેતે સમયે ફરજ બજાવતા મેઘરજ પીએસઆઈ સંજય.એચ. શર્મા સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી.