મેરાન્યૂઝ નેટવર્ક, વાંકાનેર: વાંકાનેર નજીક ડાર્ક પાર્સલ સેવાની આડમાં વિદેશી શરાબ ભરેલો ટ્રક તથા ડ્રાઈવર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. વાંકાનેર બાઉન્ડ્રી સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર મનાતું હોવાથી સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો દારૂનો જથ્થો વારંવાર અહીંથી ઝડપાઈ જતો રહે છે. બહારના રાજ્યમાંથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવતો હોય છે.

ગઈકાલે સોમવારે સાંજે રાજકોટ આર.આર.સેલને મળેલી બાતમીના આધારે પોલીસે મોરબી જીલ્લા વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક હરિયાણા પાસિંગનો ડાક પાર્સલ સેવાનું બોર્ડ મરેલા એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરી હતી. ટ્રકના કન્ટેનરને પણ સીલ મારેલું હતું. ટ્રક ડ્રાઈવરએ શરુઆતમાં ટ્રકમાં માત્ર પાર્સલ ભરેલા હોવાનું જણાવી સીલ ખોલવા માટે આનાકાની કરી હતી, પરંતુ પોલીસે સીલ તોડીને કન્ટેનર ખોલતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળ્યો હતો.

પોલીસે કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલી અલગ-અલગ બ્રાંડની રૂ.૧૪,૪૦,૦૦૦ની ૪૬૫૦ બોટલ્સ તથા ટ્રક નં. એચઆર-૫૫-આર-૩૧૬૮  કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ રૂ.૧૦૦૦ સહીત કુલ  રૂ.૨૪,૪૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર સાહદખાન જકરીયાખાન મુસ્લીમ રહે.બાવલા હરીયાણા વાળાની અટક કરી અને ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર ટ્રક માલિક સત્યનારાયણ ઉર્ફે સતુ શ્રીચંદ સામે પણ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આ ઉપરાંત દારૂ ક્યાંથી આવ્યો અને કયા મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.