મેરાન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ: ગીર ગઢડાના નજીકના જંગલ વિસ્તારમાં સિંહોના અટાફેરા રોજીંદી બાબત બની ગઈ છે. પરંતુ હવે સિંહો મંદિરોમાં જોવા મળતા નિત્ય દર્શને આવતા ભક્તજનોમાં કુતુહલની સાથે જ ફફડાટ ફેલાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા એક સિંહ ખોડિયાર માતાના મંદિર પાસે બેઠેલો જોવા મળ્યો હતો. ત્યારે ફરી જંગલમાં ટપકેશ્વર મહાદેવના મંદિરે સિંહણ આવતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું.ગીર-ગઢડાના જંગલ વિસ્તારમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ મહાદેવ મંદિરની સીડીના  પગથિયાં પરથી એક સિંહણ ઉતરતી જોવા મળતા શ્રદ્ધાળુંઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. દરમિયાન કોઈએ પોતાના મોબાઈલ કેમરામાં મહાદેવના મંદરે આવેલી સિંહણને કેદ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટપકેશ્વર મહાદેવ મંદિર જંગલમાં હોવાથી અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સિંહ-સિંહણનો ભેટો થવો સામાન્ય બાબત છે. અહીં આવતા ભક્તજનો મહાદેવની સાથે જ સિંહ દર્શનનો લ્હાવો પણ લઈ લેતા હોય છે.