મેરાન્યૂઝ નેટવર્ક, ચોટીલા: હાલમાં જ થોડા દિવસો પહેલા ગાંધીનગર સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હતો જે વાતની ખૂબ જ ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત તીર્થધામ ચોટીલાની તાલુકા કોર્ટમાં દીપડો ઘૂસી જતાં દોડધામ મચી જવા પામી હતી.

ચોટીલાની આજુબાજુમાં આવેલા ઠાકર અને માંડવ જંગલ પ્રદેશમાં લગભગ 6 જેટલા દીપડાના પરિવારોના ધામા છે. મોટા ભાગે આ દીપડાઓ શહેરી વિસ્તારમાં આવતા નથી હોતા. પરંતુ કોઈ વાર ખોરાકની શોધમાં શહેરી વસાહતમાં આવી જતાં હોય છે. ત્યારે આજે  જાણવા મળતી વિગતો મુજબ અચાનક દીપડો ઘુસી જતા કોર્ટમાં રહેલ વકીલો, અરજદારો સહિતના લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. દીપડાને કર્મચારી રૂમમાં પુરી વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ દીપડાને લઇ લોકોમાં ફફડાટ પણ ફેલાયો હતો.