મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં અભેદ કિલ્લા જેવી સુરક્ષા ધરાવતા નવા સચિવાલયમાં ઘુસી આવેલા દીપડાને એક ચીપ લગાવી જંગલમાં છોડી દેવામાં આવશે.પરંતુ જો તે ત્રીજીવાર પકડાશે તો તેને પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવશે. ગાંધીનગરમાં પુનીત વન પાસે પાંજરે પુરાયેલો આ દીપડો થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો લઈને આવતી ગુડઝ ટ્રેનના ડબ્બા પરથી નવા સચિવાલયમાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે નવા સચિવાલયમાં ગેટ નંબર-૭ના નીચેથી આવેલા દીપડાએ ભારે ચકચાર મચાવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલયમાં આ પહેલીવાર દીપડો ઘુસ્યો છે, પરંતુ આ અગાઉ ગાંધીનગર અને તેની આસપાસ છેલ્લા ૭ વર્ષમાં કુલ પાંચ વખત દીપડા આવેલા જોવા મળ્યા છે. તેમાંથી ત્રણ દીપડા પકડાયા છે તો બે દીપડા છટકી જવામાં સફળ થયેલા છે. વન વિભાગના અધિકારીઓના માનવા પ્રમાણે નવા સચિવાલયમાં ઘૂસેલો આ દીપડો સાબરકાંઠાના જંગલમાંથી અહીં સુધી આવ્યો હતો. તેમાં સાબરમતી કિનારે આવેલા થર્મલ પાવર મથકમાં કોલસો લઈને આવતી ટ્રેનના ડબ્બા પરથી આ દીપડો આવ્યો હોવાનું અનુમાન નિષ્ણાતો લગાવી રહ્યા છે.

ગાંધીનગરમાં પકડાયેલા આ દીપડાના થાપા ઉપર ચોખાના દાણા જેટલી ચીપ લગાવવાનો વન વિભાગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચીપના કારણે જો એક જ દીપડો ત્રીજીવાર પકડાયેલો જણાશે તો તેને ઝૂમાં મોકલી દેવામાં આવશે. ગાંધીનગરમાં ખાસ કરીને જ-માર્ગ અને છ-માર્ગ પર ગીચ ઝાડીઓ સાથે ઇન્દ્રોડા પાર્ક આવેલું હોવાથી રાજમાર્ગો ઉપર અનેકવાર નીલ ગાયો, હરણ, વાંદરા વગેરે જોવા મળે છે, પરંતુ સાબરકાંઠાના જંગલ વિસ્તારોમાંથી એક દિવસમાં ૩૦-૩૫ કિલોમીટર અંતર કાપતો આ દીપડો ગાંધીનગર સુધી આવી ગયો હશે તેવો અંદાજ છે.

રવિવારની રાત્રે ગેટ નંબર ૭ના નીચે માત્ર ૮ ઇંચ જેટલી જગ્યામાંથી અંદર પ્રવેશ્યો હતો. આ પછી સ્વર્ણિમ સંકુલ-૧ એટલે કે, મુખ્યમંત્રી અને કેબીનેટ મંત્રીઓની ઓફીસ પાસેથી આ દીપડો ગેટ નંબર ૨ પાસેથી છ-માર્ગ પાસે પુનીત વનમાં પહોંચી ગયો હતો. જ્યાં જુનાગઢ વન વિભાગના નિષ્ણાતોની ટીમે દીપડાને એક ગરનાળામાં ફસાવી બેભાન કરી દીધો હતો. ત્યારબાદ તેને ઇન્દ્રોડા પાર્ક લઇ જવાયો હતો. આ દીપડો દરવાજા નીચેથી ઘુસી આવતા સુરક્ષા અંગે સચિવાલયની સલામતી શાખાએ કહ્યું છે કે, માર્ગ અને મકાન વિભાગને દરેક ગેટના નીચે પ્રોટકશન રોડ નાખવા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ માર્ગ-મકાન વિભાગના સચિવ એસ. એસ. વસાવાનું કહેવું છે કે, સલામતી શાખાની આવી કોઈ રજૂઆત અમને મળી નથી.