મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના નાલાસોપારા પશ્ચિમમાં ગુરુવારે રાતે સનાતન સંસ્થાનના એક અધિકારીના ઘરેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. મહારાષ્ટ્રના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ૮ દેશી બોમ્બ મળતા વૈભવ રાઉતની ઘરપકડ કરવામાં આવી છે. વૈભવ રાઉતને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો કે, આ સનાતન સંસ્થાને આ વ્યક્તિ સાથે સંબંધ હોવાની વાતને રદિયો આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થાનું નામ ગોવિંદ પાનસેર અને ગૌરી લંકેશની હત્યા સાથે પણ જોડાયેલું છે.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ગુરુવારે સાંજે આઠ વાગ્યા પછી વૈભવ રાઉતના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. રાઉતના ઘરેથી આઠથી દસ બોમ્બ મળ્યા છે. જ્યારે ઘરેથી થોડા અંતરે આવેલી તેમની દુકાનમાંથી ગન પાઉડર અને ડેટોનેટર પણ મળી આવ્યા છે. આ જપ્ત કરવામાં આવેલા સલ્ફરથી ઓછામાં ઓછા બે ડઝન બોમ્બ બનાવી શકાય છે.

એટીએસ દ્વારા આ સંબંધમાં ઘરના માલિક વૈભવ રાઉતની ઘરપકડ કરવામાં આવી છે. તેને આજે બપોરે મુંબઈની ભોઈવાડા કોર્ટમાં રજુ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વૈભવ રાઉત સનાતન સંસ્થાન તેમજ હિંદુ જનજાગૃતિ સમિતિનો સભ્ય છે. તે તોડફોડ અને વિનાશક પ્રવૃતિઓ માટે પોલીસની રડારમાં જ હતો. જો કે આ સંસ્થાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે. જ્યારે રાઉતના વકીલ સંજીવ પુનાલેકરે કહ્યું છે કે, વૈભવની ઘરપકડ વિશે પોલીસે હજી અમને કોઈ માહિતી આપી નથી. તેમણે પ્રશ્ન કર્યો છે કે, દેશ અને મહારાષ્ટ્રમાં આ કેવો કાયદો ચાલી રહ્યો છે. અમે દરેક પ્રકારના કાયદાકીય પગલાં લઈશું.