મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં તાલુકા-જીલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતીની જમીન માટે એનએ આપવાની સત્તા પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ જાહેરાત કરતા કહ્યું કે, આ સત્તા કલેકટરને સોંપવા સાથે હવે ગ્રામ્ય કક્ષાએ પણ બિન ખેતીની જમીન માટે પરવાનગી ઓનલાઈન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, શહેરની જેમ હવે ગ્રામ્ય કક્ષાએ પણ બિન ખેતીની જમીન માટે પરવાનગી ઓનલાઈન આપવામાં આવશે. જયારે તાલુકા-જીલ્લા પંચાયતો પાસે બિન ખેતીની જમીન માટે એનએ આપવાની રહેલી સત્તા પછી ખેંચી હવે કલેકટરને સોપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે તેમણે જણવ્યું હતું કે, જીલ્લા પંચાયતોમાં એનએમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ઘણી ફરિયાદો આવી રહી છે. આથી સમગ્ર જીલ્લામાં હવે જમીન એનએની સત્તા માત્ર કલેકટર પાસે જ રહેશે. ગુજરાત રાજ્યમાં ૩૩ પૈકી ૨૬ જેટલી જીલ્લા પંચાયતો ઉપરાંત તાલુકા પંચાયતો કોંગ્રેસ હસ્તક હોવાથી આ નિર્ણય રાજકીય હોવાનું લાગી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રજાને સરળતાથી ઝડપી ઉકેલ આવે તે માટે સરકારે આ પારદર્શક નિર્ણય લીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં સફળતા મળતા હવે ગ્રામ્ય સ્તરે પણ બિન ખેતીની ઓનલાઈન પરવાનગી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો આજથી રાજ્યભરમાં અમલ કરવામાં આવશે. જેના કારણે પ્રક્રિયા સરળ બનવા સાથે ગ્રામજનોને સમય અને પૈસાની બચત થશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અરજદારોને બિન ખેતી પરવાનગી નિયત સમયમાં મળી રહે તે માટે સમગ્ર પ્રક્રિયાને ડીઝીટાઈઝેશન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આજથી જ અમલ કરાતા હવે જીલ્લા-તાલુકા પંચાયતમાં જે ફાઈલોમાં આખરી નિર્ણય કરાયો હશે તે સિવાયના તમામ કેસોમાં હવે કલેકટર દ્ધારા નિર્ણય કરવામાં આવશે.