મેરાન્યૂઝ નેટવર્ક, પટના: રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવાની અરજી દાખલ કરી છે. લગ્નના માત્ર છ મહિનામાં જ છૂટાછેડા લેવા પાછળનું કારણ હાલ જાણી શકાયુ નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર આજે શુક્રવારે તેજ પ્રતાપે પટનાની સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ડિવોર્સ લેવા માટેનું કારણ હાલ સ્પષ્ટ થયુ નથી. આ મામલે સમાધાન કરાવવા માટે ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પણ લાલુ યાદવના ઘરે પહોંચી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપના લગ્ન 12 મે 2018ના રોજ થયા હતા. આ લગ્નમાં સામેલ થવા માટે લાલુ યાદવે જેલમાંથી પેરોલ લીધા હતા અને પટના આવ્યા હતા. લગ્નમાં તમામ મોટા રાજકીય નેતાઓ અને હસ્તીઓ પણ હાજર રહી હતી.  

ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાય પણ બિહાર સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તેજ પ્રતાપ પણ ધારાસભ્ય છે અને બિહારમાં નીતિશ કુમાર સાથે મહાગઠબંધનની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે. લાલુ યાદવને બે પુત્રોમાં તેજ પ્રતાપ યાદવ મોટો છે જ્યારે તેજસ્વી યાદવ નાનો છે. ઐશ્વર્યાના દાદા દરોગા રાય 16 ફેબ્રુઆરી 1970થી લઇને 22 ડિસેમ્બર 1970 સુધી બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.