મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની કામગીરીની ટીકા કરતા કહ્યું કે મોદી સરકારે સોશિયલ સેક્ટર પર ઓછું ધ્યાન આપ્યું છે જેના કારણે દેશ ખોટી દિશામાં જઇ રહ્યો છે. દિલ્હીમાં પોતાના પુસ્તક ‘ભારત અને તેના વિરોધાભાસ’ ના લોકાર્પણ પ્રસંગે અમર્ત્ય સેને કહ્યું કે સ્થિતિ ખૂબ જ બગડી ગઇ છે. ત્યા સુધી કે પહેલાની સરકારોની સરખામણીએ મોદી સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં કશું નથી કર્યું. જે કારણે ભારતે વર્ષ 2014 બાદ ખોટી દિશામાં એક મોટી છલાંગ લગાવી છે.

પોતાના પુસ્તક અને દેશની હાલની સ્થિતિ પર બોલતા અમર્ત્ય સેને કહ્યું કે ભારતમાં વિરોધાભાસ દુનિયાના સૌથી ઝડપથી વધતા અર્થતંત્રના પછાતપણા માટે જવાબદાર છે. તેમણે જણાવ્યુ કે 20 વર્ષ પહેલા આ ક્ષેત્રમાં ભારત શ્રીલંકા બાદ સૌથ્રી સારો દેશ હતો પરંતુ આજે તે બીજો સૌથી ખરાબ દેશ બની ગયો છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને કારણે પાકિસ્તાન આ ક્રમમાં પ્રથમ અને ભારત બીજા ક્રમે છે.

અમર્ત્ય સેને મોદી સરકાર પર દેશની જનતાને અસલ મુદ્દાઓ પરથી ભટકાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે એક મહાન લેખક જેમનો હું મોટો પ્રશંસક છું. વી એસ નાયપાલએ એક પુસ્તક લખ્યું હતું જેનું નામ ‘અ હાઉસ ઓફ મિસ્ટર બિસ્વાસ’ છે. આ પુસ્તકમાં 13મી સદી બાદથી ભારતમાં નષ્ટ કરવામાં આવેલી હિન્દુ સભ્યતા અને મંદિરો વિશે લખવામાં આવ્યું છે. જો બીએસ નાયપલ જેવા વ્યક્તિઓને પ્રભાવિત કરી શકાયા હોય તો મોટાભાગના લોકોને પ્રભાવિત કરી શકાય છે.

આ કાર્યક્રમમાં હાજર અર્થશાસ્ત્રી અને અમર્ત્ય સેનના પુસ્તકના સહ-લેખક જ્યાં દ્રેજે પણ કેન્દ્ર સરકાર પર ટીકા કરતા કહ્યું કે ભારત સ્વાસ્થ્યની બાબતોમાં બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે કારણ કે આપણે બાંગ્લાદેશ દ્વારા જનતાના હિત માટે લેનારા નિર્ણર્યો કરતાં પણ ઓછા નિર્ણય લીધા છે. આવી જ સ્થિતિ શિક્ષણ, પોષણ, સોશિયલ સિક્યોરિટી, સમાનતા અને પર્યાવરણ જેવા મુદ્દાઓની પણ છે.