મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના લિબંડીના નેશનલ હાઈવે પર જનશાળી પાસે કરછના લખપત તાલુકાના 1400થી વધુઓ પશુઓ સાથે 250થી પરિવારના સભ્યો કરછમાં વરસાદ ન થતા છેલ્લા બે મહિનાથી સુરેન્દ્રનગર ખાતે વસવાટ માટે આવ્યા છે ત્યારે કચ્છ ઘાસચારો અને પાણીની અછતને લીધે પશુઓ મુશ્કેલીમા મુકાયા હતા. જેને લીધે તે તમામ પરિવાર માલ ઢોર સાથે જનશાળી પાસે બે મહિનાથી રહે છે. બાળકો સહિત આવેલા પરિવારમાં બાળકનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.

માદરે વતન મુકીને આવેલા લોકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કચ્છમાં વરસાદ ઓછો પડવાથી ઘાસચારો ન મળતા અમે મજબૂરીમાં અમારા માલ-ઢોર લઈને અહીં આવ્યા છીએ. આવ્યા ત્યારે અહીં ઘાસચારો અને પાણી પુરતું હતું અને હવે બે મહિના થતા ઘાસચારો ખતમ થઈ ગયો છે. આજુબાજુ ત્રણ ગામના લોકોની મદદથી પાણી મળી રહે છે પણ માલ-ઢોરના ઘાસચારાની પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં રોજના બે ત્રણ પશુઓ મૃત્યુ પામે છે અત્યાર સુધીમાં 20થી વધુ પશુઓના મોત થયા છે. બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે છેલ્લા બે મહિનાથી બાળકો સ્કૂલમાં નથી ગયા અમે ચાલી ન શકીએ એટલે બાલ બચ્ચાને ઢોર ચરાવા મોકલવા પડે. લિબંડી અને સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરી છે .અત્યારે સુધીમાં એક વાર પશુ ડોકટરે મુલાકત લીધી છે.સરકાર દ્રારા તાત્કાલિક ઘાસચારો રાહત દરે આપવામાં આવે તો પશુઓ મૃત્યુ પામતા બચશે.

સમગ્ર ગુજરાતની અંદર ઘણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કચ્છના આ લોકો અહીં આવ્યા ત્યારે આજુબાજુ ગામના લોકોએ ભેગા મળીને પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરી આપી છે, પરંતુ હવે બે મહિના થવાથી ઘાસ પણ નથી રહ્યું અને પશુઓની હાલત અતિ ગંભીર છે ત્યારે હજુ સુધી કોઈ સરકારી બાબુ દ્વારા કોઈ જ પ્રકારની મુલાકાત પણ કરવામાં નથી કે સહાય પુરી પાડવામાં આવી નથી. આગામી સમયમાં ઘાસચારો નહીં મળે તો પશુઓ ભૂખે મરશે તેથી તાત્કાલિક ઘાસચારો મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ તેવી આ કચ્છી માડુંઓની લાગણી અને માંગણી છે.

એક તરફ સરકાર શિક્ષણની વાતો કરે છે છેલ્લા બે મહિનામાં 20 વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. ખાવા પીવાની પણ પૂરતી વ્યવસ્થા નથી તો બીજી બાજુ  ખાવાની પણ અગવડતા છે. ત્યારે ઉનાળામાં શું હાલત થશે એ તો જોવું જ રહ્યુ પણ અત્યારે તો અનેક સમસ્યાઓનો આ લોકો સામનો કરી રહ્યા છે.