મેરાન્યૂઝ નેટવર્ક, ભચાઉ: છેલ્લાં સાત-આઠ વર્ષથી બની રહેલાં ભુજ-દુધઈ-ભચાઉ હાઈવેના અધૂરાં કામે ભચાઉના શિકરા ગામનાં પટેલ પરિવારના દસ લોકોનો ભોગ લેતાં હાહાકાર મચી ગયો છે. ભચાઉના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર.ગોઢાણિયાએ આપેલી માહિતી મુજબ શિકરા નજીક રોડ બની રહ્યો હોઈ કેટલોક પટ્ટો ખરાબ છે તો કેટલોક રસ્તો સારો છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને પટેલ પરિવાર વીજપાસર જઈ રહ્યો હતો ત્યારે શિકરા પાસે યુરો કંપની નજીક રોંગસાઈડમાં સારો રોડ હોઈ ચાલકે રોંગસાઈડમાં ટ્રેક્ટર હંકારવાનું શરૂ કર્યું હતું. જેમાં સવારે પોણા દસ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી.

શિકરાના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગામનાં નાનજીભાઈ સવજીભાઈ અનાવડીયા (પટેલ)નો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર જતો હતો. ત્યારે કુંભારડી તરફથી આવેલી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનામાં સાત મહિલા અને 1 બાળક સહિત નવ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. મૃતકોના નામ આ પ્રમાણે છે.
(1) કંકુબેન ભીમાભાઈ અનાવાડીયા (ઉ.વ.60, રહે. શિકરા)
(2) પમીબેન નરસિંહભાઈ અનાવાડીયા (ઉ.વ.55, રહે. શિકરા)
(3) જિજ્ઞાબેન ઈશ્વરભાઈ ભુટક (ઉ.વ.25, રહે. વીજપાસર)
(4) દયાબેન મુળજીભાઈ અનાવાડીયા (ઉ.વ.35, રહે. શિકરા)
(5) માનાબેન રતાભાઈ અનાવાડીયા (ઉ.વ.50, રહે. શિકરા)
(6) નીશાબેન પેથાભાઈ અનાવાડીયા (ઉ.વ.17, રહે. શિકરા)
(7) રમાબેન માદેવાભાઈ અનાવાડીયા (ઉ.વ.60, રહે. શિકરા)
(8) કિશોર મુળજીભાઈ અનાવાડીયા (ઉ.વ.10, રહે. શિકરા)
(9) વિશાલ રમેશ અનાવાડીયા (ઉ.વ.20, રહે. શિકરા)
(10) નાનજીભાઈ અનાવાડીયા (રહે. શિકરા)

જ્યારે અન્ય 11 લોકો ઘવાયાં હતા. ઘાયલોમાં પાંચ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતના પગલે લોકોની મરણચીસોથી હાઈવે કંપી ઉઠ્યો હતો અને ગ્રામજનો તેમજ વાહનચાલકોએ તુરંત દોડી આવી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. શુભ પ્રસંગે મંગળીયાના બદલે મરશીયા ગવાતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરો શોક છવાઈ ગયો છે.