મેરાન્યૂઝ નેટવર્ક, કચ્છ: હાલ ઉનાળાની શરૂઆત થતા જ ઠેર-ઠેર પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. મુખ્યમંત્રી દ્વારા પણ પીવાના પાણીની મુશ્કેલી નિવારવા ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. સરકાર પાણી બચાવો'નો પ્રચાર કરી રહી છે. ત્યારે ચિરાઇ નજીક નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું હતું. જો કે ગઈકાલે સાંજે બનેલી આ ઘટના બાદ આજે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પાઇપલાઇનનું સમારકામ હાથ ધરાયું હતું. પરંતુ ત્યાં સુધીમાં લાખો લિટર પાણી વેડફાઈ ચૂક્યું હતું.

ચિરાઇ નજીક ગત સાંજે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. જેને લઈને પાણીનો મોટો ફુવારો વહી નિકળ્યો હતો. આ ઘટનાને પગલે પાણીના વેડફાટ સાથે નજીકના વિસ્તારમાં મોટા તળાવ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભર ઉનાળે પાણીની કારમી અછત વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અને સરકારની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.