મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથ: ઉના સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. બે દિવસ પૂર્વે જ મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાત કરી હતી. ત્યારબાદ અધિકારીઓ તેમજ કેબિનેટ મંત્રીઓને આ વિસ્તારની મુલાકાત લઈને જરૂરી મદદ કરવાના આદેશો આપ્યા હતા. જેને પગલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવાળીયા આ વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા હતા, પરંતુ અહીં તેઓ વર્ષોથી રોડ-રસ્તા બનાવવાની માંગ કરતા લોકોના રોષનો ભોગ બન્યા હતા. અહીંના લોકોને રોડ મામલે આ વિસ્તાર ગામતળમાં ન હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે એક મહિલાએ તો "ગામતળમાં નથી તો મત કેમ લ્યો છો?" કહીને કુંવરજીભાઈને ઘરમાંથી રીતસરના હાંકી કાઢ્યા હતા.

કોંગ્રેસમાંથી હાલમાં જ કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા છે. પક્ષ પલ્ટ્યાના કલાકોમાં તો તેમેને મંત્રી પદ પણ સોંપાઈ ગયું અને બાદમાં ખાતા પણ ફાળવવામાં આવ્યા. રાજકારણમાં વગ ધરાવતા અને સમાજના નેતૃત્વની વાતો કરતા કુંવરજીને આજે નેતાગીરી કરવી ભારે પડી ગઈ હતી. જ્યાં ગામના લોકો પહેલાથી જ પરેશાન હતા ત્યાં લોકોની મુલાકાત લેવાના હેતુથી પહોંચ્યા અને પિત્તો ગુમાવેલી મહિલાના કડવા પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ તેમને ત્યાંથી રીતસર ભાગી જવું પડ્યું હતું. જોકે કુંવરજી ત્યાં મહિલા સાથે ચર્ચા કરીને મહિલાને સમજાવવાનો પ્રયત્ન કરી શક્યા હોત પણ કદાચ મહિલાના કડવા પ્રશ્નોના તેમની પાસે ઉત્તર જ નહીં હોય...