જયેશ મેવાડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની ૨૦ ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસમાંથી પાંચ વખત વિજેતા થયેલા કુંવરજી બાવળિયા પ્રથમવાર કેબીનેટ મંત્રી બની ભાજપમાંથી નસીબ અજમાવી રહ્યા છે. તેમાં આ બેઠકના ઇતિહાસમાં કુંવરજી બાવળિયા જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરાજયનો સ્વાદ ચાખી ચુક્યા છે. જયારે જસદણ બેઠકમાં અત્યાર સુધીમાં યોજાયેલા કુલ ૧૪ ચૂંટણી જંગમાં ભાજપે માત્ર એક જ વાર પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાનાં દીકરી અને કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન બાવળિયા સામે વિજય મેળવ્યો છે.

ગુજરાત રાજ્યમાં રાધનપુર અને રાજકોટની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી ઉમેદવારો હોવાથી ભારે પ્રતિષ્ઠાભર્યો જંગ સમગ્ર દેશના રાજકીય રસિકોએ જોયેલો છે. આ વખતે ભાજપ સરકાર પ્રથમવાર તેના કેબીનેટ મંત્રીને એક જીલ્લા સદસ્ય સામે વિજયી બનાવવા લાવ-લશ્કર સાથે મેદાનમાં ઉતરી છે. જસદણ વિધાનસભા બેઠકના રસપ્રદ ચુતાની ઇતિહાસમાં અત્યાર સુધીમાં ૧ પેટાચૂંટણી સહીત કુલ ૧૪ વખત ચૂંટણી યોજાઈ છે. તેમાં સૌથી વધારે ૯ વખત કોંગ્રેસ, ત્રણ વખત અપક્ષ અને ૧ વખત સ્વત્રંત્ર પાર્ટી ઉપરાંત ૧ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

૧૯૬૨થી શરૂ થયેલા જસદણ બેઠકના ચૂંટણી જંગમાં જ્ઞાતિવાદનું રાજકારણ ભારે પ્રભાવ ધરાવે છે. તેના કારણે રાજકીય પક્ષોને પછાડીને ત્રણ અપક્ષ વિજયી થયેલા છે. સૌ પ્રથમ વખત ૧૯૭૫માં ૧૧,૧૯૯, ૧૯૮૦માં ૪૬૨૮ અને ૧૯૯૦માં ૮૧૮૭ મતથી અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલા છે. આ બેઠકમાં ૧૯૬૭ની ચૂટણીમાં સ્વત્રંત્ર પાર્ટીના શિવપ્રસાદ ખાચર કોંગ્રેસ સામે સૌથી ઓછી માત્ર ૬૭ મતની સરસાઈથી વિજેતા થયા હતા. જયારે ૨૦૦૭માં કોંગ્રેસના કુંવરજી બાવળિયા સૌથી વધારે ૨૫,૬૭૯ મતની સરસાઈથી વિજેતા થયેલા છે. જસદણમાં મામૈયાભાઈ ડાભી અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર તેમજ શિવપ્રસાદ ખાચર સ્વતંત્ર પાર્ટી અને અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીતેલા છે.

કોંગ્રેસમાંથી કુંવરજી બાવળીયા રાજકોટના સાંસદ બનતા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેના કારણે જસદણમાં ૧૯૯૦માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ભરત બોઘરાનો સૌપ્રથમવાર વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને કુંવરજી બાવળિયાના પુત્રી ભાવનાબેનને ૧૪,૭૭૪ મતથી પરાજય આપ્યો હતો. જસદણ બેઠકમાં સૌથી વધુ પાંચ વખત કોંગ્રેસમાંથી વિજયી થયેલા કુંવરજી બાવળિયાએ ૧૯૯૦માં જનતાપાર્ટીના ઉમેદવાર તરીકે અપક્ષ ભીખાભાઈ બાંભણિયા સામે પરાજયનો સ્વાદ ચાખેલો છે.

જસદણ બેઠકમાં સામાન્ય રીતે વિજય માટે ૬-૭ ટકા જેટલા મતોની સરસાઈ રહેતી હોય છે. છેલ્લી બે ચૂંટણીનાં પરિણામ જોઈએ તો ૨૦૧૨માં કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ ૪૭.૪૮ ટકા એટલે કે ૭૮૦૫૫ મત મેળવી ૧૦૮૪૭ મતથી વિજયી થયા હતા. તેની સામે ભાજપના ઉમેદવારને ૪૦.૮૮ ટકા એટલે કે, ૬૭૨૦૮ મત મળ્યા હતા. જ્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના કુંવરજી બાવળિયા ૫૦.૧૯ ટકા મત એટલે કે, ૮૪૩૨૧ મેળવી ૯૨૭૭ મતની સરસાઈથી વિજયી થયા હતા. જેમાં ભાજપના રીપીટ થયેલા ઉમેદવાર ભરત બોઘરાને ૪૪.૬૭ ટકા એટલે કે, ૭૫૦૪૪ ટકા મત મળ્યા હતા. હવે ૨૦ ડિસેમ્બરે જસદણ બેઠકનું પરિણામ લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજકીય દિશા નક્કી કરશે.