મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસની પશ્ચિમ બંગાળની યાત્રા પર આજે કોલકાતા પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસમાં તેઓ રાજ્યના ઘણા પ્રસિધ્ધ લોકોને મળશે. પરંતુ રાજ્યના કેટલાક જાણીતા બુદ્ધિજીવીઓને તેમની સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો હોવાના મીડિયામાં અહેવાલ આવી રહ્યા છે.

આજે બુધવારે કોલકાતામાં શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બંકિમચન્દ્ર ચટોપાધ્યાયની યાદમાં એક સભાનું આયોજન કર્યું હતું. જેમાં અભિનેત્રી સૌમિત્રા ચેટર્જીને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. પરંતુ સૌમિત્રા ચેટર્જીએ આ કાર્યક્રમમાં સામેલ થવાથી ઇનકાર કરી દીધો અને તેની પાછળ નોટબંધી તથા ભાજપ દ્વારા વિશેષ સમુદાયને નિશાન બનાવવાના રાજકારણને જવાબદાર ગણાવ્યુ.

અભિનેત્રી સૌમિત્રા ચેટર્જી સહિત પ્રસિદ્ધ થિયેટર આર્ટિસ્ટ રુદ્રપ્રસાદ સેનગુપ્તા, ચન્દ્રન સેન અને મનોજ મિત્રા, ગાયક અમર પૉલ તથા ચિત્રકાર સમીર એચ અને સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ અશોક ગાંગુલી, સામાજીક કાર્યકર્તા તથા લેખક સંતોષ રાણાએ પણ અમિત શાહના કાર્યક્રમમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો હતો. જો કે બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર અમિત શાહના કાર્યક્રમમાં 100 જેટલા બુદ્ધિજીવીઓ સામેલ થયા હતા.