મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હવે ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ગુરુવારે કોર્ટે બંગાળમાં ભાજપની રથયાત્રાને મંજૂરી આપી હતી પરંતુ કોલકાતા હાઇકોર્ટેના ચીફ જસ્ટિસની બેચે ભાજપની રથયાત્રા પર સ્ટે મુકતા અગાઉના નિર્ણયને રદ કર્યો છે. ડિવિઝન બેંચે આ કેસને ફરી વિચાર માટે સિંગલ બેચને પરત મોકલી આપ્યો છે. જેથી ભાજપની પ્રસ્તાવિત રથયાત્રાના પૈડા ફરી એક વખત થંભી ગયા છે.

પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઇકોર્ટની સિંગલ બેંચના તે આદેશને ડિવિઝન બેંચમાં પડકાર્યો હતો જેમાં ભાજપને રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાઇ હતી. ચીફ જસ્ટિસ દેબાશીષ કારગુપ્તા અને જસ્ટિસ શંપા સરકારની ડિવિઝ બેંચે કેસને પાછો સિંગલ બેંચને મોકલતા કહ્યું કે તે રાજ્ય સરકારની એજંસીઓના ઇનપુટ્સને ધ્યાનમાં રાખતા આ મામલે વિચાર કરે. આજના નિર્ણયનો અર્થ એ નથી કે ભાજપની રથયાત્રા પર હાઇકોર્ટે સંપૂર્ણ રીતે સ્ટે મુકી દીધો છે. આ સ્ટે વચગાળાનો છે અને સિંગલ બેંચ ફરીવાર રાજ્ય સરકારની એજંસીઓના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય સંભળાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે સિંગલ બેચના નિર્ણયને પડકાર્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉત્તર બંગાળના કૂચ બિહારથી આ યાત્રાને ગત 7 ડિસેમ્બરે લીલી ઝંડી આપવાના હતા. મમતા બેનર્જીની સરકારે ‘ગણતંત્ર બચાવો યાત્રા’ને મંજૂરી આપવાથી ઇનકાર કર્યો હતો. સરકાર તરફથી દલીલ હતી કે જો રથયાત્રા કાઢવામાં આવશે તો પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક સદભાવ બગડી શકે છે.