રોહન રાંકજા (મેરાન્યૂઝ, ગોંડલ): મોરબીના એક બિલ્ડરને સુઝુકી કંપનીએ સ્કૂટરના રૂપિયા પરત કરવા પડ્યા છે. બિલ્ડર દ્વારા લાંબી લડત કરવામાં આવ્યા બાદ કંપનીએ ગ્રાહકને રૂપિયા પરત આપવાની ફરજ પડી હતી.

મોરબીમાં રહેતા પટેલ બિલ્ડર અશોકભાઈ કોટડીયાએ ૨૦૧૨માં સુઝુકી કંપનીનું એક્સેસ સ્કૂટર ખરીદ્યું હતું. પરંતુ સ્કૂટરમાંથી ઓઈલ લીક થતું હોવાથી અશોકભાઈએ કંપનીમાં ફરિયાદ કરી હતી. કંપનીએ સ્કૂટર રીપેર કરતા ફરિયાદનો ઉકેલ આવવાનું જણાવ્યું હતું. જેથી અશોકભાઈએ પાંચ વખત કંપનીમાં પોતાનું સ્કૂટર રીપેર કરાવ્યું હતું. તેમ છતાં પ્રોબ્લેમ યથાવત રહેતા અશોકભાઈએ ગ્રાહક સુરક્ષા તકરારમાં વર્ષ ૨૦૧૪માં ફરિયાદ કરી હતી.

ગ્રાહક સુરક્ષા પંચ દ્વારા ૨૦૧૫ માં સુઝુકી કંપનીને ગ્રાહકને સ્કૂટરના બદલામાં પૈસા પરત કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં કંપની દ્વારા આ રકમની ચુકવણી કરવામાં ન આવતા ગ્રાહક ૨૦૧૬માં કોર્ટમાં ગયા હતા. જેના પગલે કંપનીએ અશોકભાઈને પૈસા ચુકવવાની ફરજ પડતા તાજેતરમાં કંપની દ્વારા ગ્રાહકને સ્કૂટરના બદલામાં ચુકવણી કરવી પડી હતી.