મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ અમદાવાદમાં નીકાળનારી ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની સલામતી વ્યવસ્થામાં કોઈ કસર રહી જાય નહીં તેનું અમદાવાદ પોલીસ ધ્યાન રાખી  રહી છે. સલામતી વ્યવસ્થા માટે અમદાવાદ પોલીસની મદદમાં રાજ્યભરની પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

રથયાત્રાના 14 કિલોમીટર લાંબા રૂટમાં કોઈ ગરબડ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસના બૉમ્બ વિરોધી દળ દ્વારા રસ્તામાં આવતી તમામ ગટરો ચેક કરવામાં આવી હતી, આ  પ્રકારની કવાયત  પહેલી વખત કરવામાં આવી હતી. બૉમ્બ  વિરોધી દળ દ્વારા 40 કરતા વધુ ગટરો તપાસાયી હતી. બદલાયેલા સમય પ્રમાણે અરાજકતા ફેલાવવા માંગતા તત્વો ગટરનો ઉપયોગ કરે તેવી શકયતા પણ પોલીસ નકારી શકતી નથી.

જો કે હમણાં સુધીની રથયાત્રામાં પહેલી વખત શું કામ પોલીસ દ્વારા રૂટની ગટરો તપાસવામાં આવી તે અંગે કોઈ અધિકારી કહેવા તૈયાર નથી સંભવ છે કે ઇન્ટેલિજન્સ દ્વારા કોઈ ઇનપુટના આધારે આ તપાસ શરૂ થઈ છે.