પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): વિધાનસભાની ચૂંટણીમાં હમણાં સુધી ભાજપનો હાથ અધ્ધર રહેતો હતો પણ પહેલી વખત કોંગ્રેસ ભાજપને બરાબરની ટક્કર આપી રહી છે. કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રીની ઉમેદવાર તરીકે પાટીદાર રજુ કરે તેવી સંભાવના જોતા ભાજપ પાસે મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે આનંદીબહેન પટેલને મુકવા સિવાય કોઈ મજબુત ચહેરો રહ્યો નથી. સુત્રોના કહેવા પ્રમાણે ચૂંટણી પહેલા પણ ભાજપ ફરી એક વખત આનંદીબહેનના હાથમાં શાસન સોપી શકે છે.

1990 સુધી કોંગ્રેસની વોટ બેન્ક રહેલા પાટીદારોના મત મેળવવા માટે ભાજપ દ્વારા કેશુભાઈ પટેલને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેની ધારી અસર થઈ અને પાટીદાર મતો કોંગ્રેસ તરફથી ખસી ભાજપ તરફ આવી ગયા હતા. કોંગ્રેસને મોડે મોડે પણ સમજાયુ કે કોંગ્રેસમાં પાટીદારને પુરતુ મહત્વના ના મળ્યુ તેના કારણે કોંગ્રેસ સત્તાથી બહાર રહી અને તેમા પાટીદાર મતો મહત્વનું કામ કરી ગયા. ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉમેદવાર થઈ શકે છે તેવી શક્યતાઓની ચર્ચા થઈ રહી છે.  જો કે તે મુદ્દે કોઈ ઠોસ જાણકારી મળી રહી નથી.

જાહેરમાં ખોંખારીને બોલતા ભાજપી નેતાઓ અંદરથી કોંગ્રેસની રણનીતિને કારણે ફફડી ગયા છે અને તેઓ કોંગ્રેસની આંતરિક માહિતી લેવા માટે તમામ શક્તિઓ કામે લગાડી રહ્યા છે. જો કોંગ્રેસ નરેશ પટેલ અથવા અન્ય કોઈને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરે તો ભાજપે પરાણે પોતાના પત્તા પણ ઉતરવા પડે અને પાટીદાર મતો કોંગ્રેસ તરફ સરકી જાય નહીં તે માટે તેમણે પાટીદાર ચહેરો રજુ કરવુ પડે અને હાલમાં ભાજપ પાસે પાટીદારો દ્વારા સ્વીકાર્ય હોય તેવો એક માત્ર ચહેરો આનંદીબહેન પટેલનો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ એક ડગલુ આગળ ચાલી ચૂંટણી પહેલા વિજય રૂપાણીને ખસેડી આનંદીબહેન પટેલ ફરી શાસન સોંપી દેતો નવાઈ પામવા જેવુ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના કેન્દ્રીય નેતા સુબ્રહ્મમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કરી આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજુ કરવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે.