મેરાન્યૂઝ નેટવર્ક,કચ્છ:કચ્છ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં સોનાના બિસ્કીટ આપવાની લાલચ બતાવીને રૂપિયા ખંખેરતી ગેંગ સક્રિય બની હોઈ તાજેતરમાં અંજાર ખાતે ૨૩ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ ચલાવીને છેતરપીંડી કરતી ગેંગના મહિલા સહિતના બે શખ્સોને દબોચી લેવાયા છે.

કચ્છ જીલ્લાના અંજારના રહેવાસી વનીતાબેન સોરઠીયા નામના વિધવા મહિલા સાથે તાજેતરમાં આવો છેતરપીંડીનો કિસ્સો બન્યો હતો. જેમાં ૨૩ લાખ રૂપિયા રોકડ પડાવીને બાદમાં સોનાનું બિસ્કીટ આપ્યું નહોતું અને છેતરપીંડી આચરવામાં આવી હતી. તેનો ભોગ બનનારની ફરિયાદને આધારે અંજાર પોલીસે આરોપી અબ્દુલલતીફ દાઉદભાઈ ખલીફા, કુરશાબેન અબ્દુલલતીફ ખલીફા, રેશ્માબેન અબ્દુલ લતીફ  ખલીફા રહે. તરણે અંજાર ઉપરાંત અલીમામદ ડેરીફકીર,અલીમામદ ડેરીફકીરનો દીકરો રહે. બંને ભુજ અને મોહમદઅલી મહમદશમા રહે. ભુજ એ તમામ આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદી વનીતાબેન આહીરને આરોપી અબ્દુલલતીફે ધર્મની બહેન બનાવીને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવતા છેતરપીંડીના મુખ્ય આરોપી અબ્દુલલતીફ ખલીફા અને તેની પત્ની કુરશાબેન અબ્દુલલતીફ ખલીફા એ બંનેને ઝડપી લેવામાં સફળતા મળી છે જે પકડાયેલા આરોપીઓએ અગાઉ ભુજ વિસ્તારમાં પણ આ રીતે છેતરપીંડી આચરી હોવાની કબૂલાત આપી છે તો પોલીસના આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જીલ્લામાં સોનાના બિસ્કીટના નામે આવી અનેક છેતરપીંડીના બનાવો બન્યા હોવાથી જેમાં આ ગેંગ અગાઉ થયેલી છેતરપીંડીમાં સંડોવાયેલી હોવાની પ્રબળ આશંકા પ્રગટ કરી છે તેમજ વધુ તપાસ ચલાવી રહી છે.