મેરાન્યૂઝ નેટવર્ક, વારાણસી: વારાણસીમાં પ્રવાસનની શક્યતાઓ તપાસ માટે આવેલા કેન્દ્રિય પ્રવાસન રાજ્યમંત્રી કે. જે. અલ્ફોન્સે વારાણસીમાં સાફ-સફાઇની સ્થિતિ જોઈ નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રિય રાજ્યમંત્રી ગંગા નદીમાં ઠાલવવામાં આવતા ગટર અને ફેક્ટરીઓના ગંદા પાણી, દબાણ તથા ટ્રાફિકજામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીને ખૂબ જ ગંદુ શહેર ગણાવ્યુ.

વારાણસીના મ્યુનિસિપલ કમિશ્નરને નિશાને લેતા કે. જે. અલ્ફોન્સે કહ્યું કે તમારુ શહેર ખૂબ જ ગંદુ છે, રસ્તા વચ્ચે ગાડીઓ ઉભી છે, દબાણ અને ટ્રાફિકજામ છે. આવી સ્થિતિમાં કોઈ શા માટે વારાણસી આવવા ઇચ્છે?

વારાણસીના સર્કિટ હાઉસમાં મંગળવારે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે બેઠક કરતા કેન્દ્રિય રાજ્યમંત્રીએ કહ્યું કે સૌથી વધુ પ્રવાસીઓ જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં જ અડધા રસ્તા સુધી ગાડીઓ ઉભી હોય છે, સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકજામ હોય છે. અધિકારીઓ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે તમે ઇચ્છો તો આ સ્થિતિને બે દિવસમાં સુધારી શકો છો. જો દેશનું સૌથી ગંદુ શહેર સૌથી સ્વચ્છ શહેરની શ્રેણીમાં આવી શકે છે તો પછી વારાણસી કેમ નહીં?

કેરળ અને દિલ્હીના ઉદાહરણ આપતા કેન્દ્રિય મંત્રીએ પુછ્યુ કે હજારો કરોડ રૂપિયાના ખર્ચ છતાં પણ તમારુ શહેર સમસ્યા મુક્ત કેમ નથી થઇ રહ્યું? જો આવી જ સ્થિતિ રહી તો અહીંયા કોઈ નહીં આવે. ગમે તે થાય પણ ગંગા નદીમાં ગટરનું એક ટીપુ પાણી ન જવુ જોઈએ. ઓફિસ છોડો અને ફિલ્ડમાં આવો તો જ વારાણસીને સારુ બનાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 65 લાખ પ્રવાસીઓ વારાણસી આવે છે. નરેન્દ્ર મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણી અહીંથી લડીને વડાપ્રધાન બન્યા છે.