મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરતના પતંગ અને દોરા દુનિયાભરમાં પ્રખ્યાત છે ત્યારે સ્વાભાવિક છે કે ઉત્સવપ્રિય સુરતીજનો ઉત્તરાણનો ઉત્સવ પણ ઉત્સાહભેર જ ઉજવશે. એવા સમયે પતંગની દોરીના કારણે પક્ષી મોતના મુખમાં ન ધકેલાઈ જાય તે માટેનું વિશેષ આયોજન રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત હાથ ધરાયું છે.  કલેક્ટર ડો. ધવલ પટેલે કહ્યું હતું કે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનારા સામે કડક હાથે કામ લેવામાં આવશે. ફોજદારી પણ દાખલ કરવામાં આવશે. તા. 10થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે કોઇ જગ્યાએ પક્ષી ઘાયલ થાય અને તમારા ધ્યાન પર આવે તો તાત્કાલિક અસરથી હેલ્પ લાઇન નંબર પર ફોન કરી જાણ કરે પરિણામે પક્ષીને મોતના મુખમાં ધકેલાતું બચાવી શકાય. તમારા ધ્યાન પર કોઇ ઘાયલ પક્ષી પડે તો તાત્કાલિક અસરથી હેલ્પ લાઇન નંબર:1962 અથવા 7227023123 ઉપર જાણ કરી શકો છે.

એક વાત એ પણ ધ્યાન પર આવી હતી કે ઉત્તરાણ બાદ વીજ તાર અને વૃક્ષો પર લટકતા દોરાના કારણે પણ સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થાય છે. પરિણામે કલેક્ટરે મહાનગરપાલિકા, વન વિભાગ, ડીજીવીસીએલના અધિકારીઓને આવા તાર તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ કર્યો હતો.

આ બેઠકમાં નક્કી કરાયા મુજબ શહેર અને જિલ્લામાં 14 સ્વંયસેવી સંસ્થા, 9 પશુ આરોગ્ય કેન્દ્રો, 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 1,285 જેટલા સ્વયંસેવકો અને તબીબો ખડે પગે રહેશે. આ ઉપરાંત સારવાર કેન્દ્રની દેખરેખ માટે વનવિભાગની ખાસ 6 ટીમો કાર્યરત રહેશે.

આ બેઠકમાં મહાનગરપાલિકા, પશુપાલન, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત નેચર ક્લબ, જાનકી જીવદયા ટ્રસ્ટ, પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ નંબર પર જાણ કરો

ઘાયલ પક્ષીને મોતના મુખમાં જતા અટકાવવાનું સદ્ કાર્ય આપ પણ કરી શકો છો. જો તમે રસ્તેથી પસાર થતા હો અને તમારા ધ્યાન પર કોઇ ઘાયલ પક્ષી પડે તો તાત્કાલિક અસરથી હેલ્પ લાઇન નંબર:1962 અથવા 7227023123 ઉપર જાણ કરી શકો છે. આપનો એક ફોન પક્ષીને મોતના મુખમાંથી બચાવી શકશે.