મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ધીરે-ધીરે પતંગ બજારમાં પતંગો અને દોરાની માંગ વધી રહી છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વિવિધ પ્રકારના અને અલગ-અલગ રંગોના પતંગો બજારમાં ઉપ્લબ્ધ છે. પરંતુ આ વખતે ઉત્તરાયણને પણ ચૂંટણીનો રંગ લાગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે બજારમાં મોદી vs રાહુલ ગાંધીના પતંગોનું પણ ખૂબ વેચાણ થઈ રહ્યું છે.

આ વર્ષે ઉત્તરાયણમાં ગુજરાતના વિવિધ શહેરોના આકાશમાં રાજકારણની ઝલક જોવા મળશે. પતંગ ઉત્પાદકો દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ રાજકીય દિગ્ગજોના ફોટા સાથેના વિવિધ પતંગો બનાવવામાં આવ્યા છે. લોકો પણ આવા તમામ પતંગોની જોરશોરથી ખરીદી કરવા લાગ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી vs રાહુલ ગાંધીના પતંગોની માંગ સૌથી વધુ છે. આ ઉપરાંત સરદાર પટેલના સન્માનમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગોએ પણ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.