મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: નડિયાદ ખેડા જીલ્લા કલેકટર ઓફીસમાં જ કામ કરતો કોન્ટ્રાક્ટ પરના કોમ્પ્યુટર ઓપરેટરની ૧૫૦ જેટલા બોગસ વોટર કાર્ડ બનાવવાના ગુનામાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેનો ઉપયોગ પાસપોર્ટ માટે કરતા એક અન્ય ઇસમની પણ પોલીસે ધરપકડ કરી છે.

ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નડિયાદનો ફિરોજ વ્હોરા, ચકલાસી ગામના તેના મિત્ર  મુકેશ વાઘેલાના ઘરે બેસીને ભૂલ વાળા વોટર કાર્ડને કોઈપણ આધાર પુરાવા વગર અને અધિકારીની સહી વગર જ લેમીનેશન કરીને પાસપોર્ટ બનાવવા માટે ઉપયોગ કરે છે. આ  બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કોમ્પ્યુટર, સહી-સિક્કાના કાગળો,  ચૂંટણી કાર્ડ બનાવવાનું મટીરીયલ જપ્ત કર્યું હતું અને બંને ઈસમોની સ્થળ ઉપર જ પુછપરછ કરતા આધારભૂત માહિતી ન મળતા, બંને ઈસમોની પોલીસે ધરપકડ કરી છે.

ફિરોજ વ્હોરા, નડિયાદ ખાતેની ચૂંટણી શાખામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તે જુના વોટર કાર્ડના સિલ્વર લોગો તથા ઓફીસના સહી સિક્કાના સ્ટેમ્પ વિગેરે લઇ રૂ. ૨૦૦માં તાત્કાલિક જરૂરી નામ સરનામાંનું આધાર વગરનું વોટરકાર્ડ બનાવી આપતો હતો અને  તે મુકેશ વાઘેલાને પાસપોર્ટ માટે આવશ્યક ઓળખકાર્ડ બનાવવા મદદ કરતો હતો.

આ બંને આરોપીઓએ અત્યાર સુધી ૧૫૦ જેટલા બોગસ વોટર કાર્ડ બનાવ્યા હોવાનો સ્વીકાર કર્યો છે અને આ મુદ્દે ખેડા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટરે બંને વિરુધ ગુનો દાખલ કર્યો છે.