મેરાન્યૂઝ નેટવર્ક. ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં સરકારી ગામ નમુનાનું રેકર્ડકચેરીમાં પરત જમા ન કરાવવા અંગે આખરે અહિંના મામલતદાર દ્વારા આકરા પગલા લઇ પોલીસ મથકમાં જાણ કરીને જરૂર પડ્યે ધરપકડ સહિતની કાર્યવાહી કરતો હુકમ કર્યો છે. 

ખંભાળિયા તાલુકામાં પ્રમોલગેશન અંગેનું રેકર્ડ અગાઉ કોમ્પ્યુટરાઇઝડ થયા બાદ પ્રમોલગેશન પહેલાના ગામ નમુના નં.6 ખંભાળિયાની મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહે છે. આ અંગે અહિંના મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા તાલુકાના બાકી રહેતા ગામોના તલાટીઓને આ રેકર્ડ કચેરીમાં જમા કરાવવા અંગે લેખિત યાદી કારણદર્શક નોટિસ વિગેરે પાઠવવામાં આવી હતી.

પરંતુ તાલુકાના પાંચ તલાટીઓ દ્વારા આ સુચનાનું પાલન ન કરીને બેકાળજી આચરવામાં આવી હોવાનું ખુલતા મુંબઇ જમીન મહેસુલ અધિનિયિમની કલમ 25 ની જોગવાઇઓ મુજબ ખંભાળિયાના પોલીસ અધિકારીએ એક લેખિત પત્ર પાઠવી, પકડ વોરંટ ઇશ્યૂ કરવા તથા ધરપકડકરી, જવાબદાર તલાટી સામે દિવાની જેલ અંગેની કાર્યવાહી કરવાજણાવાયું છે. 

મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા આંબરડી ગામના તલાટી કમ મંત્રી એન.પી. ચેતરીયા, મોવાણ ગામના વિજય મકવાણા, ભાણખોખરી ગામના દિપકઅંજારા, માંઝા ગામના વી.એન.ગોંદિયા અને મોટા આંબલા ગામના તલાટી-મંત્રી કૃષ્ણસિંહ જાડેજા સામે ઉપરોકત મુદ્દે કાર્યવાહી કરવા જણાવાયું છે.