મેરાન્યૂઝ નેટવર્ક.ખંભાળિયાઃ મહાકાય કંપનીઓ વર્ષોથી પ્રદુષણ કરતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી આવી છે. કંપની સ્થાપિત થાય તેનાથી કદાચ કોઈ સંદેહ ના હોય શકે પરંતુ આવી કંપનીઓ સ્થાપિત થયા બાદ કંપનીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણ સહિતના કારણોથી આજુબાજુના લોકોનું જીવતર હરામ થઇ જાય તો?  આવો જ એક કિસ્સો દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં સામે આવ્યો છે, જેમાં એસ્સાર અને નાયરા એનર્જી વિરુદ્ધ સોઢા તરઘડી ગામના એક સ્થાનિકે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જ્યારથી હાર્દિક પટેલે જામનગર લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે ત્યારથી રિલાયન્સ અને એસ્સાર (હાલ નાયરા) કંપનીઓ વિવાદમાં આવી છે. પ્રદુષણ અને રોજગારી આપવા બાબતે કંપનીઓએ નિરસતા દેખાડતા હાર્દિક પટેલે આ મુદ્દે લડાઈ લડવાની તૈયારી કરી હતી. પ્રદૂષણના બહુ ગાજેલ મુદ્દા વચ્ચે નાયરા કંપની સામે પ્રદુષણ મુદ્દે ફોજદારી નોંધાતા કંપની વર્તુળમાં દોડધામ મચી ગઇ છે. જેની વિગત મુજબ, ખંભાળિયા નજીક એસ્સાર અને નાયરા કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયગાળાથી આજુબાજુના ગામોમાં હવામાં, પાણીમાં પ્રદુષણ કરી સોઢા તરઘડી ગામના બલુભા જાડેજા તેમજ અન્ય ખેડૂતોની જમીનમાં પાણીના તળ પ્રદુષિત કરી નાખ્યા છે, જેને કારણે ગંભીર પ્રકારની બીમારીનો ભોગ ગ્રામજનો બન્યા છે, આવી ગંભીર ફરિયાદ એસ્સાર અને નાયરા કંપનીના મેનેજર તથા જવાબદાર અધિકારીઓ સામે ખંભાળિયા પોલીસ મથકે કલમ ૨૬૯,૨૭૭,૨૭૮ મુજબ નોંધાતા પીએસઆઈ એ.એન.જાડેજા વધુ તપાસ હાથ ધરી છે.