મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબી નગરપાલિકામાં મહિલા પ્રમુખની ટર્મ પૂર્ણ થતા આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં સસ્પેન્ડ થયેલા સાત સદસ્યો મતદાન નહિ કરી સકતા કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી અને સત્તાવિહોણી રહેલી કોંગ્રેસે આખરે પોણા બે વર્ષ બાદ સત્તાવાપસી કરી છે અને કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે.
 
મોરબી નગરપાલિકાની અઢી વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૫૨ માંથી ૩૨ બેઠકો અંકે કરી હોવા છતાં અસંસુષ્ટ સદસ્યોને કારણે સત્તા ગુમાવવી પડી હતી તો બાગી સભ્યોને સાધીને ભાજપે સત્તા કબજે કરી હતી. જોકે મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ફરીથી પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજવાની હતી. જે દરમિયાન જ કોંગ્રેસ સાથે બગાવત કરનાર ૭ સદસ્યો ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જે સદસ્યોએ હાઈકોર્ટના ધક્કા ખાધા છતાં કોઈ રાહત મળી ના હતી અને આજે પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. 

જેમાં ભાજપ તરફથી પ્રમુખપદ માટે જયરાજસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ભીમાણીએ ફોર્મ ભયું હતું જે બંનેને ૨૦-૨૦ મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રમુખ પદના દાવેદાર તરીકે કેતનભાઈ વિલપરા અને ઉપપ્રમુખ એમણાબેન મોવર બંને ૨૫-૨૫ મતોથી વિજેતા બન્યા હતા અને સત્તાથી દુર રહેલી કોંગ્રેસ ફરીથી સત્તામાં વાપસી કરી હતી અને બહુમતી ના હોવા છતાં શાસન કબજે કરીને બેસેલા ભાજપ સામે બદલો વાળવામાં પણ કોંગ્રેસને સફળતા મળી હતી કોંગ્રેસના હોદ્દેદારો ચૂંટાયા બાદ ઉજવણી કરવામાં આવી હતી.