મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે 12મી માર્ચે જ્યારે કોંગ્રેસની સીડબ્લ્યૂસીની મીટિંગ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહ્યા છે. તેવા સંજોગોમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજના વડિલ ગણાતા ભાજપના પાયાના નેતા રહી ચુકેલા કેશુભાઈ પટેલ (કેશુબાપા)ના આશિર્વાદ લેવા તેમને મળવાનું નક્કી કર્યું હતું. જોકે જાણકારી મળી રહી છે કે કેશુભાઈ પટેલે તેમને મળવાનું ટાળ્યું હતું.

આજે કોંગ્રેસનો ખેસ હાર્દિકના ગળામાં પહેરાવવામાં આવશે ત્યારે પોતાના જાહેર જીવનને કોંગ્રેસ વિચારધારા સાથે જોડાવવા તેઓ જઈ રહ્યા છે. આ દરમિયાન માહિતી મળી છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદારોના વડીલ નેતા ગણાતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે હાર્દિક પટેલે કેશુભાઈને મળવા માટેનો સમય માગ્યો હતો. જોકે એવી માહિતી પણ મળી રહી છે કે કેશુભાઈ પટેલે હાર્દિક પટેલની સાથેની મુલાકાતને ટાળી હતી. કેશુભાઈ પટેલે સક્રિય રાજકારણથી દુર રહેવાનું નક્કી કર્યું છે. પરંતુ ગત અઠવાડિયા પહેલા જ જ્યારે નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે અડાલજ ખાતે પાટીદારોના કાર્યક્રમમાં કેશુભાઈ નરેન્દ્ર મોદી સાથે મંચ પર હાજર રહ્યા હતા. તે વખતે કેશુભાઈને નરેન્દ્ર મોદી પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.